રાજસ્થાન: 220 કલાક બાદ માસૂમ ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી, તબીબોએ મૃત જાહેર કરી
કોટપુતલી, 1 જાન્યુઆરી : રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડી જતાં ત્રણ વર્ષની માસુમ ચેતના જીવનની લડાઈ હારી ગઈ હતી. બુધવારે (1 જાન્યુઆરી) ના રોજ, 220 કલાક પછી, છોકરીને બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ ચેતનાને મૃત જાહેર કરી હતી.
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 23 ડિસેમ્બરે રાજસ્થાનના કોટપુતલીના બડિયાલી ગામમાં ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી. ત્યારથી વહીવટીતંત્ર, SDRF અને NDRFની ટીમો સતત બાળકીને બચાવવામાં લાગેલી હતી.
આ ઓપરેશન દસ દિવસ સુધી ચાલ્યું
ત્રણ વર્ષની ચેતનાને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 10 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું, પરંતુ બાળકીને બચાવી શકાઈ ન હતી. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘણા SDRF અને NDRFના જવાનો જોડાયા હતા. ફાયર બ્રિગેડ, જેસીબી અને મ્યુનિસિપલ કાઉન્સિલના ઘણા કર્મચારીઓ પણ સ્થળ પર તૈનાત હતા. આ સિવાય કોટપુટલીના એસપી, એએસપી, ડીએસપી અને ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.
‘પોસ્ટ મોર્ટમ બાદ ખબર પડશે’
મેડિકલ ઓફિસર ચૈતન્ય રાવતે જણાવ્યું કે બાળકી માટે હોસ્પિટલમાં અલગ બેડ તૈયાર કરવામાં આવ્યો હતો, ચેતનાને અહીં લાવવામાં આવતા જ અમારા ડોક્ટરોએ તેની તપાસ કરી પરંતુ બાળકી જીવિત ન હતી. તેમણે કહ્યું કે કલેક્ટરના આદેશ પર બાળકી ચેતનાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યાર બાદ જ સમજી શકાશે કે માસૂમ બાળકનું મોત ક્યારે થયું હશે. આ માટે ત્રણ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો :- નવા જાહેર કરાયેલા 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિયુક્તિ કરાઈ