ઉત્તર ગુજરાતગુજરાત

રાજસ્થાન : હાઇકોર્ટના આદેશ બાદ હનુમાનજીનું મંદિર તોડી પડાયું, પથ્થરમારો થતા પોલીસે કર્યો લાઠીચાર્જ, 50ની અટકાયત

પાલનપુર : રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ પાસેના સાતપુરમાં આવેલું હનુમાનજીના મંદિરને હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા બુધવારે વહેલી સવારે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો રોષે ભરાતા પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થવા પામી છે. જ્યારે પોલીસે પચાસથી વધુ લોકોની અટકાયત કરી છે.

સાતપુર તળાવ પાસે આવેલું છે હનુમાનજીનું મંદિર

રાજસ્થાન ના આબુરોડના સાતપુર વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજ હાઇકોર્ટના આદેશ મુજબ વહેલી સવારે સાતપુર તળાવ પાસે આવેલા હનુમાનજીના મંદિરને જેસીબી મશીનની મદદથી તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. જોકે હનુમાનજી ના મંદિરે તોડી પાડતા પહેલા વહીવટીતંત્ર દ્વારા હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવી હતી.

મૂર્તિને ખસેડ્યા બાદ જેસીબી મશીન ની મદદથી મંદિરને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ થતા જ સ્થાનિક લોકોને જાણ થતાં ભારે વિરોધ દર્શાવ્યો હતો. અને જ્યાં સુધી કામગીરી ચાલી ત્યાં સુધી લોકોના ઘટના સ્થળે મોટી સંખ્યામાં ટોળા એકઠા થયેલા રહ્યા હતા. જોકે સ્થાનિક લોકોનો વિરોધ અને રોષ જોઈને પોલીસે ચારે બાજુના વિસ્તારને બેરીકેટથી સુરક્ષિત કર્યો હતો. અને મંદિરની નજીક આવતા લોકોને રોકી દીધા હતા.

કાર્યવાહી દરમિયાન 15 જેટલા પોલીસ મથકમાંથી પોલીસ કાફલો બોલાવીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હનુમાનજી ના મંદિરને તોડવાની કાર્યવાહી ચાલી રહી હતી દરમિયાન પોલીસ તંત્ર અને સ્થાનિક લોકો અમને -સામને આવી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરીને માર્ગ બંધ કરી દીધો હતો. અને લોકો કાર્યવાહીનો સતત વિરોધ કરતા રહ્યા હતા. દરમિયાન વિરોધ કરી રહેલા લોકો ઉપર પોલીસ લાઠીયો લઈને તૂટી પડી હતી. જેથી ગુસ્સે ભરાયેલા લોકોએ પણ પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધો હતો.

જેના પગલે આ વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અને અફડતફડીનો માહોલ સર્જાયો હતો. ભારે પથ્થર મારાના પગલે એસ.પી દેવારામ, માઉન્ટ આબુના ડીવાયએસપી યોગેશ શર્મા સહિત કોઈ પાંચ પોલીસ કર્મચારીઓને પથ્થરમારાથી ઇજાઓ થવા પામી હતી.

જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલમાં ઘટના સ્થળે સ્થાનિક લોકોને પોલીસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે આબુરોડ બંધનું એલાન પણ આપવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

 

આ પણ વાંચો : મતદાન જાગૃત્તિ માટે પાણીપુરી વિક્રેતાએ આપ્યો અનોખો સંદેશ

 

Back to top button