ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન : સિરોહીના પિંડવારામાં ગોઝારો અકસ્માત, 6 લોકોના મૃત્યુ

સિરોહી, 15 સપ્ટેમ્બર : રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે રવિવારે રાત્રે એક ટ્રક અને તુફાન ટેક્સી (જીપ) વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

દરમિયાન એસપી અનિલ કુમાર બેનીવાલે જણાવ્યું કે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે. દરેક વ્યક્તિ શિફ્ટમાં કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહીં એસપી અનિલ કુમાર અને જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સીઓ પિંડવારા ભંવરલાલ ચૌધરીએ જણાવ્યું કે પોલીસ અધિકારી હમીર સિંહ ભાટી અને અન્ય પોલીસ અધિકારીઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ તુફાન ટેક્સીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો વાહનમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાં લોકોની ગંભીર સ્થિતિને જોતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ

આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. સીઓ પિંડવારા ભવરલાલ ચૌધરીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ઘાયલો અને મૃતકો કોણ છે તેની માહિતી થોડા સમયમાં મળશે. અધિક પોલીસ અધિક્ષક પ્રભુદયાલ ધનિયા અને પિંડવાડા પોલીસ સ્ટેશનના અધિકારી હમીર સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે ઘાયલોને પિંડવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ઘટના સ્થળ પર જામ લાગ્યો

અકસ્માત બાદ સ્થળ પર લાંબો જામ છે, જેને પિંડવારા પોલીસ દ્વારા સાફ કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ઘાયલ લોકો લાંબા સમય સુધી ટેક્સીમાં ફસાયેલા રહ્યા, અને સ્થળ પર હાજર લોકોએ ભારે મુશ્કેલીથી તેમને બહાર કાઢ્યા હતા. પિંડવારા સરકારી હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં ઘાયલ લોકો પહોંચ્યા ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘણા સામાજિક કાર્યકરો પણ હોસ્પિટલ પહોંચ્યા, જેમણે ઘાયલોની સારવારમાં મદદ કરી હતી.

Back to top button