ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન ચૂંટણી: અશોક ગેહલોત સાંજે 5.30 વાગ્યે રાજ્યપાલને સોંપશે રાજીનામું

  • સીએમ અશોક ગેહલોત સાંજે 5.30 વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોંપશે 
  • ચૂંટણી પરિણામો બાદ જયપુરના કોંગ્રેસ કાર્યાલયમાં મૌન પ્રસરી ગયું
  • ભાજપ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ, ભાજપના કાર્યકરો વિજયની ઉજવણી કરી રહ્યા છે.

જયપુર, 03 ડિસેમ્બર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. સીએમ અશોક ગેહલોત આજે સાંજે 5.30 વાગ્યે રાજભવન પહોંચશે અને રાજ્યપાલને રાજીનામું સોંપશે. રાજસ્થાનમાં 1998થી પરંપરા રહી છે કે દરેક ચૂંટણીમાં સરકાર બદલાય છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે.

અશોક ગેહલોત જોધપુરની સરદારપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર સિંહ રાઠોડને 26,396 મતોના અંતરથી હરાવ્યા છે. અશોક ગેહલોતને કુલ 96859 વોટ મળ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રસિંહ રાઠોડને 70463 મત મળ્યા હતા. અહીં 1222 મતદારોએ NOTAનો ઉપયોગ કર્યો હતો.

રાજસ્થાનમાં હાર બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, અમે જનતાના આ આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ દરેક માટે અણધાર્યું પરિણામ છે. આ હાર દર્શાવે છે કે અમે અમારી યોજનાઓ, કાયદાઓ અને નવીનતાઓને લોકો સુધી પહોંચાડવામાં સંપૂર્ણ રીતે સફળ નથી થયા. હું નવી સરકારને શુભેચ્છા પાઠવું છું. તેમને મારી સલાહ છે કે, સખત મહેનત કરવા છતાં અમે સફળ થયા નથી. આનો મતલબ એવો નથી કે સરકારમાં જોડાયા પછી તેમણે કામ ન કરવું જોઈએ. અમે છેલ્લા પાંચ વર્ષમાં OPS, ચિરંજીવી સહિતની ઘણી યોજનાઓ રાજસ્થાનને આપી છે, તેમણે તેને આગળ વધારવી જોઈએ. હું કોંગ્રેસના તમામ કાર્યકરોનો આભાર માનું છું જેમણે આ ચૂંટણીમાં સખત મહેનત કરી હતી અને અમારામાં વિશ્વાસ રાખનારા તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું.

સચિન પાયલોટ રાજસ્થાનના ટોંકથી 105812 મતોથી જીત્યા છે. જીત બાદ તેમણે કહ્યું કે,  ફરી એકવાર વિસ્તારના મતદારોએ મને આશીર્વાદ આપ્યા છે. કોંગ્રેસે અહીંથી મોટી જીત નોંધાવી છે.

કોંગ્રેસ કાર્યાલયમાં મૌન પ્રસરી ગયું

ભાજપના હાથે હાર બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાંજે રાજભવન જશે જ્યાં તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. રાજસ્થાનના આ ચૂંટણી પરિણામો બાદ જયપુરના કોંગ્રેસ કાર્યાલયમાં જ્યાં મૌન છે, ત્યાં ભાજપ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે. ભાજપના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે અને ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી રહ્યા છે.

રાજસ્થાનની 199 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. વલણો અનુસાર રાજસ્થાનમાં ભાજપ મજબૂત રીતે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે, જ્યારે અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલી કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ છે. ગેહલોત કેબિનેટના 12 ધુરંધર નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 117 સીટો પર ચૂંટણી જીતી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 70 સીટો પર સીમિત દેખાઈ રહી છે.

પૂર્વ સીએમ વસુંધરા રાજે ભાજપ કાર્યાલય પહોંચ્યા

રાજસ્થાનમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. આ અંગે પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપની જીત પીએમ મોદીની જીત છે, અમિત શાહની રણનીતિની જીત છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને પણ શ્રેય આપ્યો છે. રાજસ્થાનમાં ભાજપની બમ્પર જીત વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જયપુરમાં ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે. વસુંધરાએ ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામલાલ ચોહાણને 53193 મતોથી હરાવ્યા છે.

 

કોંગ્રેસના આ 12 મંત્રીઓનો પરાજય થયો હતો

ગેહલોત સરકારના મોટા મંત્રીઓ ભાજપના ઉમેદવારો સામે ચૂંટણી હારી ગયા છે. રાજસ્થાન સરકારના મંત્રી ગોવિંદ રામ મેઘવાલ ખાજુવાલા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમને બીજેપીના વિશ્વનાથ મેઘવાલથી હાર મળી છે. મંત્રી ભંવર સિંહ ભાટીને પણ કોલાયત બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના અંશુમાન સિંહ ભાટીએ હરાવ્યા હતા. આ ઉપરાંત સપોત્રા બેઠક પરથી મંત્રી રમેશ મીણા, લાલસોટથી મંત્રી પ્રસાદીલાલ મીણા, ડીગ-કુમ્હેરથી મંત્રી વિશ્વેન્દ્ર સિંહ, સિવિલ લાઈન્સથી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, સિકરાઈથી મંત્રી મમતા ભૂપેશ, બાંસુર બેઠક પરથી મંત્રી શકુંતલા રાવત, કોટપુતલીથી મંત્રી રાજેન્દ્ર યાદવ. , બિકાનેર પશ્ચિમ બેઠક પરથી મંત્રી બીડી કલ્લા અને અંતા વિધાનસભા બેઠક પરથી મંત્રી પ્રમોદ જૈન ભાયાને હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો, છત્તીસગઢમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલશે, કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હારના આરે

Back to top button