રાજસ્થાન : આબુરોડમાં ભારે વરસાદના કારણે નીચલાગઢના ફળિયાઓનો સંપર્ક કપાયો
પાલનપુર: રાજસ્થાનના ઉપરવાસ અને માઉન્ટ આબુ તેમજ આબુરોડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મૂસળધાર વરસાદના પગલે બે દિવસથી અહીંનું જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે અહીંના નીચલા ગઢના અડધો ડઝન ફળિયાઓનો સંપર્ક કપાઈ જવા પામ્યો છે. અહીંના રપટ ઉપર ઘૂંટણથી ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે. જેને લઇને અહીંની સાટિયાફળી, સોલંકી ફળી, ખેતલા ફળી, ઢેકલીયા ફળી, જોડીયા ફળી, અને કામરા ફળિયાનો મુખ્ય સડક સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. જેને લઈને દાડિયા શ્રમિકોને રોજગારી, બીમાર પશુઓની સારવાર તેમજ કરિયાણા વિગેરેની ખરીદી કરવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જ્યારે સિરોહી જિલ્લામાં હજુ પણ ભારે વરસાદના કારણે સિરોહી કલેકટર ડો. ભવરલાલે સરકારી તેમજ ખાનગી શાળાઓમાં આવતીકાલે એટલે કે ગુરુવારની રજા જાહેર કરી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અહીંના ઉંમરનીમાં ભારે વરસાદને કારણે ત્રણ કાચા મકાનોની દિવાલો ધસી પડી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે આ ઘટના સર્જાઇ છે. દિવાલ ઘસી પડવાથી પરિવારના રહેઠાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેમાં ઉંમરની ના ઉમાદેવી, વીરમા ભીલ અને ચિન્ટુ ભીલના મકાનોની દિવાલો ધસી પડતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.