રાજસ્થાનમાં આજે કેબિનેટનું વિસ્તરણ, જાણો કોણ બની શકે છે મંત્રી
રાજસ્થાન, 30 ડિસેમ્બર 2023: રાજસ્થાનમાં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ પછી હવે તમામની નજર રાજ્યના કેબિનેટ વિસ્તરણ પર છે. રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 18 લોકો પદ અને ગોપનીયતાના શપથ લઈ શકે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય નેતાઓ ભાગ લેશે.
રાજસ્થાનમાં સરકાર બન્યાના 26 દિવસ બાદ કેબિનેટની રચના થઈ રહી છે. નવી ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ બપોરે 3 વાગ્યે થશે. આ દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્રા ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. મળતી માહિતી મુજબ, 18 મંત્રીઓ શપથ લેશે, જેમાંથી 12 કેબિનેટ મંત્રી અને 6 રાજ્ય મંત્રી બની શકે છે.
રાજેન્દ્ર રાઠોડ, સતીશ પુનિયાને સ્થાન મળી શકે છે
કહેવામાં આવી રહ્યું છે કે રાજેન્દ્ર રાઠોડ અને સતીશ પુનિયાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે આ બંનેને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ભાજપ તેમને મંત્રી પદ આપી શકે છે. આ ઉપરાંત ડૉ.કિરોડીલાલ મીણા, અનીતા ભડેલ, ઓતરામ દેવાસી, ગુરવીર સિંહ, જગત સિંહ, જવાહર સિંહ બેદમ, બાબા બાલક નાથ, અને વિશ્વનાથ મેઘવાલ પણ મંત્રી પદના દાવેદાર માનવામાં આવે છે.
કેબિનેટ પર મંથન દિલ્હીમાં થયું
રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણને લઈને મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ ચંદ્રશેખર વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. દિલ્હીમાં આ અંગે સતત મંથન ચાલતું હતું, જે બાદ ખૂબ વિચારણા કર્યા બાદ નામોને મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બની
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યની ગેહલોત સરકારને કારમી હાર આપ્યા બાદ, ભાજપ ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી પદ માટે ઘણા લોકોના નામ સામે આવ્યા હતા. પરંતુ ભાજપે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા. ભજનલાલ શર્માએ 15 ડિસેમ્બરે રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.