બાડમેર, 2 સપ્ટેમ્બર : રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું મિગ 29 વિમાન ક્રેશ થયું છે. જેમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી અનુસાર ફાઈટર જેટ ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું અને પ્લેનમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી.
આ દુર્ઘટના એવા વિસ્તારમાં બની હતી જ્યાં વસ્તી નથી. બાડમેર જિલ્લા કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્ર સિંહ મીના અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયો છે.
ટ્વિટર ઉપર પોસ્ટ કરતા વાયુસેનાએ કહ્યું કે, બાડમેર સેક્ટરમાં નિયમિત નાઈટ ટ્રેનિંગ મિશન દરમિયાન IAF મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને એરક્રાફ્ટમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.