ગુજરાતવિશેષ

રાજકોટમાં સ્પીડબ્રેકરના કારણે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલાના પરિવારજનોએ જુઓ શું કર્યું?

Text To Speech

શહેરમાં ગત 29 જૂનને બુધવારના રોજ દમયંતીબેન તેમના પતિ ભરતભાઈ સુતરીયા સાથે અનિડા ગામે સંબંધીની સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. ત્યારે નવા 150 ફૂટ રિંગરોડ પાસે રહેલું સ્પીડ બ્રેકર ભરતભાઈના ધ્યાન પર ન આવતાં તેમણે બેલેન્સ ગુમાવી દીધું હતું, જેના કારણે દમયંતીબેન રસ્તા ઉપર જ પટકાયા હતા. રસ્તા પર પટકાયા બાદ તેમના કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

મહિલા દર્દીને હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયા
આ પછી ત્યાંથી પસાર થતાં રાહદારીની ગાડી મારફતે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડૉ. જોગાણી દ્વારા દમયંતીબેનનું તાત્કાલિક ઓપરેશન કરી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડી હોય તેવી રીતે ગઈકાલે દમયંતીબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.

પરિવારે કર્યો અંગદાનનો નિર્ણય
માતા હોય કે પિતા કે પછી પરિવારનું કોઈ સભ્ય અણધારી વિદાય લે એટલે પરિવારજનો ભાંગી જ પડતાં હોય છે અને તેમના દુ:ખનો કોઈ પાર રહેતો નથી અને તેમાં પણ ખાસ કરીને માતા છોડીને ચાલ્યા જાય એટલે સંતાનો નિ:સહાય બની જતાં હોય છે. આવામાં પણ દમયંતીબેનના પુત્રો કુલદીપ અને પ્રિન્સ તેમજ પતિ ભરતભાઈએ ભારે હૈયે દમયંતીબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

આંખો, લીવર અને કિડનીનું દાન
તબીબોએ જણાવ્યું કે, દમયંતીબેનના હૃદયનું દાન થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તેમની બન્ને આંખો, કિડની અને લીવરનું દાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તેમના આ અંગદાનથી હવે પાંચ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે. ઉલ્લેખનીય છે કે દમયંતીબેનના પતિ ભરતભાઈ સુતરીયા ગોંડલ ચોકડી પાસે લાકડીયો કોલસો બનાવવાના મશીનનું કારખાનું ધરાવે છે.

Back to top button