ગુજરાતમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ, જાણો કયા છે મેઘની આગાહી
- સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર
- ડાંગના આહવામાં 101 મિ.મી., ભરૂચ નેત્રંગમાં 22 મિ.મી. વરસાદ
- વલસાડ જિલ્લાના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં ડાંગના આહવામાં 101 મિ.મી., ભરૂચ નેત્રંગમાં 22 મિ.મી., સુરતના ઉમરપાડામાં 73 મિ.મી., નવસારીના ખેરગામ અને નર્મદાના ડેડિયાપાળામાં 21 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12-13 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકામાં પણ યલો એલર્ટ છે. આ સિવાયના જિલ્લામાં વરસાદની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.
વલસાડ જિલ્લાના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, ત્યારે 14 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળો હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જામશે.
નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ રહેશે
15 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 16 ઓક્ટોબરે વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ રહેશે.