ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે 24 કલાકમાં 27 ના મોત
ઉત્તર પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી દિધી છે. સતત પાંચ દિવસથી વરસતો વરસાદ જનજીવન માટે આફતરુપ બન્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ ઉત્તર પ્રદેશમાં 27 લોકોના મોત થયાની માહિતી મળી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાંય ખાસ કરીને દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં તો વરસાદે તારાજી સર્જી દિધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે પણ પાંચ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
યુપીના મુખ્યમંત્રીએ એડવાઈઝરી જારી કરી
ત્યારે ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસતા જન જીવન ખોરવાયું છે. કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે અને વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે. તેમજ 25 જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જે અંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એડવાઈઝરી જારી કરીને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે. તેમજ તમામ સરકારી અને ઈમરજન્સી સેવા કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે.અને ખાનગી કચેરીઓના કાર્યાલયના વડા / સક્ષમ અધિકારીને તેમના સ્તરેથી રજા જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે.
છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત
આફત બનેલા વરસાદને કારણે, છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત થયા છે. વરસાદના કારણે ખેડૂતોનો હજારો વીઘા પાક નાશ પામ્યો છે. તેમજ મૈનપુરી ખાતે વરસાદને કારણે માટીની દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું. જે બાદ બારાબંકીમાં વરસાદને કારણે ઝાડ પડતાં બે લોકોના મોત થયાં છે, અને અલીગઢમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતા એક ખેડૂતનું મોત થયું છે. આ સહિત અનેક વિસ્તારો ખાતે ભારે વરસાદના કારણે લોકોના જીવને જોખમ ઉભુ થયું છે. તો કેટલાકે તો પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
આ પણ વાંચો: ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા, બેવડી ઋતુનો રહશે માહોલ