ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, સૂર્યનારાયણના દર્શન થતાં ખેડૂતો ખુશખુશાલ; ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો

Text To Speech

દક્ષિણ ગુજરાતમાં સીઝનની શરૂઆતમાં જ મેઘરાજાએ તરબોળ કરી દીધા. ત્યારે આજે ઘણા દિવસો બાદ સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય તેમ ઝરમર વરસાદ વરસ્યો છે. સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા હતાં. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી રહી છે. ત્યારે ડેમની રૂલ લેવલની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણીની આવકની સાથે આઉટફ્લો વધારી દેવામાં આવ્યો છે.

ઉઘાડ થતાં ખેડૂતો ખુશખુશાલ
ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોએ ધાન સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે. ત્યારે ઉભા પાકને જરૂરી ઉઘાડ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. સવારથી વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ વચ્ચે સૂર્યનારાયણના અલપ ઝલપ દર્શન થઈ જતાં ખેડૂતોને પણ ઉભા પાકને લઈને ફાયદો થવાની આશા છે.

ઉકાઈની સપાટી જાળવવા તંત્રની મથામણ

UKAI DAM
ઉકાઈ ડેમની સપાટી વધીને સવારે 8 વાગ્યા સુધીમાં 331.26 ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી વધીને સવારે 8 વાગ્યા સુધીમાં 331.26 ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે. ઉકાઈમાં હાલ પાણીની આવક 84,298 ક્યુસેક છે. જેની સામે આઉટ ફ્લો 12,098 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વિયર કમ કોઝવની સપાટી 6.54 મીટરે પહોંચી ગઈ છે.

Back to top button