ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, પલસાણામાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ વ્યારામાં 8.2 ઈંચ, ડોલવણમાં 7 ઈંચ વરસાદ, બારડોલીમાં 7 ઈંચ, સોનગઢમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ સુરતના માંડવીમાં 5.2 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત દ.ગુજરાતના વાલોદમાં 4.9 ઈંચ, નવસારીમાં 4.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 4.2 ઈંચ, મેધરજમાં 3.9 ઈંચ વરસાદ, 37 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના નીચે જણાવેલ રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તા નો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias pic.twitter.com/Yeux4gMsmW
— Collector Surat (@collectorsurat) August 16, 2022
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તથા અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો
તેમજ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં નિકોલમાં 4 એમએમ, રામોલમાં 25 એમ એમ હાટકેશ્વર / ખોખરા 3 એમએમ, પાલડીમા 47 એમએમ, ઉસ્માનપુરામાં 11 એમએમ, ચાંદખેડામાં 8, મેમ્કોમાં 12 એમએમ, નરોડામાં 1 એમએમ, કોતરપુરમાં 2.50 એમએમ, મણિનગરમાં 18 એમએમ, વટવામાં 25 એમએમ વરસાદ નોંધાયો છે.
સુરતમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી
આ તરફ વરસાદી પાણી રસ્તા પર ફરી વળવાના કારણે પાલિકાની કામગીરી પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયુ છે. જેમાં ઉધના ત્રણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ પાણી જવાનો યોગ્ય નિકાલ નહી થતા લોકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ ફેલાયો છે. તેમજ દર વર્ષે ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : ડીસા પંથકમાં મૂશળધાર વરસાદ, જુઓ LIVE દ્રશ્યો