ગુજરાતમાં 203 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ
- સવારે 6થી 8 વાગ્યા સુધી 71 તાલુકામાં વરસાદ આવ્યો
- વિસનગર અને મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ વરસ્યો
- પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે
ગુજરાતમાં 203 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. જેમાં રાજ્યમાં સવારે 6થી 8 વાગ્યા સુધી 71 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ખંભાળિયામાં 2 ઇંચ, ખેડામાં દોઢ ઇંચ વરસાદ, પાટણ અને બહુચરાજીમાં દોઢ ઇંચ વરસાદ તેમજ કાલાવડમાં દોઢ ઇંચ, વિસનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વિસનગર અને મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ વરસ્યો
વિસનગર અને મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ વરસ્યો તેમજ વડનગર, ઊંઝા, પાલનપુર, બાયડમાં 3-3 ઈંચ વરસાદ તથા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યુ હતું અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાના વિભાગના જણાવ્યા અનસુાર 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના વિસનગર અને મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે લુણાવાડા, વિજાપુરમાં 5-5 ઈંચ વરસાદ તથા વડગામમાં પણ 5 ઈંચ વરસ્યો છે. તલોદમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે હિંમતનગર, મોડાસા, જોટાણા, માણસામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મેઘરજ, કપરાડામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વડનગર, ઊંઝા, પાલનપુર, બાયડમાં 3-3 ઈંચ વરસાદ અને સાંતલપુર, બહુચરાજીમાં પોણા 3 ઈંચ વરસ્યો છે.
પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે
પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાા કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વડાલી તાલુકાના થુરાવાસ ગામે વરસાદી વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયુ છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. વડાલી તાલુકાના થુરાવાસ ગામે ચાર જેટલા ખેત મજૂર વરસાદ ચાલુ થતા લીમડાના ઝાડ નીચે ઉભા હતા, ત્યારે અચાનક વીજળી પડતા એક ખેત મજુરનું મોત થયુ અને એક ખેત મજુરને ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલમાાં ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ હાલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે જે એક ખેત મજૂરનું મોત થયુ છે, તેના મૃતદેહનું વડાલી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.