બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, પાલનપુરમાં ગરનાળામાં કાર ફસાઈ
- ડીસા, પાલનપુર ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
- વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો
બનાસકાંઠા 29 જુલાઈ 2024 : હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે બપોરે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા. દરમિયાન દિવસે અંધકાર સર્જાયો હતો. અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ડીસા સહિત સરહદી પંથકના ગામડાઓમાં થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. જ્યારે પાલનપુરના એક ગરનાળામાં કાર ફસાઈ જતા જેસીબી ની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો વરસાદના આગમનને વધાવવા રોજેરોજ ઇંતજાર કરતા હતા. તો ક્યાંક મેઘરાજાને રીઝવવા માટે ભૂદેવો દ્વારા પર્જન્ય યજ્ઞ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે બપોરે ૧-૦૦ વાગ્યાથી ૩-૦૦ વાગ્યા સુધીમાં મેઘ ગર્જના સાથે ભારે વરસાદ પડવો શરૂ થયો હતો. જેમાં ડીસા, પાલનપુર, વડગામ અને થરાદ સહિતના વિસ્તારો ધોધમાર વરસાદના કારણે અહીંના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પાલનપુરના આકેસણ તરફ જવાના માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં આવેલા એક ગરનાળા પાસે પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેને જેસીબીની મદદ વડે બહાર કાઢવામાં આવી હતી. તો ડીસા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે હજુ પણ વાતાવરણમાં ઉકળાટ એવો જ હોવાથી વધુ વરસાદ થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે. વડગામમાં 115 મિમિ જ્યારે ડીસામાં સવારે ૬-૦૦ થી બપોરે ૨-૦૦ કલાક સુધી 40 મિમિ વરસાદ નોંધાવવા પામ્યો છે.
આ પણ વાંચો : વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, હિંમતનગરમાં અંડરબ્રિજમાં ST બસ પાણીમાં ગરકાવ