અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
- રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો.
- ભારે પવન સાથે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ.
- શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ.
ગુજરાત, 26 નવેમ્બર: રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો છે. સવારથી જ આકાશ ધુમ્મસ છવાયું છે, ત્યારે અનેક જિલ્લામાં વહેલી સવારથી જ માવઠુ થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદની બે દિવસની આગાહી વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં માવઠુ થયું છેે. આજે વહેલી સવારે S.G હાઈવે પર ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું, ત્યાર બાદ ભારે પવન સાથે અનેક જગ્યાએ માવઠુ થયું છે.
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદના એસજી હાઈવે, થલતેજ, મણિનગર, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ આવ્યો છે. બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ આવ્યો છે.
ગિરનારમાં વરસાદ: જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો હતો, ગિરનારની પરિક્રમા કરી રહેલા યાત્રાળુને પણ માવઠાના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગ શું કહે છે ?
માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પવનો ભેગા થવાથી 26થી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જે ખાસ કરીને 26મીએ બપોર પછી અમદાવાદમાં 1 ઈંચ જેટલો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઈંચ વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: જૂનાગઢ: લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો, જાણો કેટલા ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના