ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગઈકાલે અને આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાનું સામે આવ્યું છે. ગઈ કાલે અરવલ્લી જિલ્લામાં અને આજે કચ્છ-ભુજમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો, હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યના ખેડૂતો પણ ચિંતિત થયા છે.
આ પણ વાંચો : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હજુ પણ 3 દિવસ વરસાદની શક્યતા
ગુજરાત રાજ્યમાં સાઈકલોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ અને બરફના કરા સાથે વિવિધ જીલાઓ જેમકે અરવલ્લી, પાટણ, અમદાવાદ, કચ્છ, બોટાદ, અમરેલીમાં બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટવાની હવામાન વિભાગે અનુમાન કર્યું છે. કમોસમી વરસાદથી રાજયના ખેડૂતોને ઘઉં, જીરું, એરંડા, અને ધાણા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર બાજુ કેરી જેવા પાકને પણ નુકસાન થઈ શકે છે. આજરોજ ભુજમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.