જામનગરમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી; જનતાએ કર્યો રિવાબાનો ઘેરાવ
જામનગરઃ રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીથી અનેક લોકોના જીવનમાં મુશ્કેલી સર્જાઇ ગઇ છે. દક્ષિણ-સૌરાષ્ટ્રમાં તો પુર જેવી સ્થિતિનો ઉદ્દભવ થયો છે. તેવામાં જામનગરમાં ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, તેથી ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન તંત્રની ખરાબ કામગીરીને લઇને ગુસ્સે ભરાયેલા લોકોએ ધારાસભ્ય રિવાબા જાડેજાને ઘેરી લીધા હતા.
જામનગરમાં વરસાદના વિરામ વચ્ચે ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તારો પાણીના ભરાવાને કારણે લોકો હેરાન છે. આ મામલાને લઈને તંત્ર પર લોકો વરસી પડ્યા છે. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં પણ આવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પરિસ્થિતિને સંભાળવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન હાલાકી ભોગવી રહેલા લોકોએ પોતાની રજૂઆત કરવા માટે રિવાબાને ઘેરી લીધા હતા. તે દરમિયાન રિવાબાને પણ બે હાથ જોડીને વિનંતી કરવી પડી હતી કે, શાંતિ રાખો અને કોઇની વાત સાંભળવા દો.
જામનગર : ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પરિસ્થિતિને સંભાળવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા #jamnagar #mla #gujaratmla #jamnagaranews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/D8MERzMJC0
— Hum Dekhenge News (@humdekhengenews) July 1, 2023
તંત્રની ખરાબ કામગીરીના વિરોધ કરતી વખતે એક વ્યક્તિએ આત્મહત્યા કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને તે કેનાલ પર ચઢી ગયો હતો. જોકે, તેને સમજાવીને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. આ મામલાને લઈને ધારાસભ્ય રિવાબા જાડેજાથી સહિત અન્ય સ્થાનિક નેતાઓનો લોકોએ ઘેરાવો કરી પોતાના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
જણાવી દઇએ કે, જામનગરની હરિદ્વાર સોસાયટી, મોહન નગર, નારાયણ નગર, એસબીઆઈ ગુલાબ નગર, હરિદ્વાર પાર્ક પાછળના તમામ ઘરોમાં 4થી 5 ફૂટ વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. સતત 12 કલાક પછી પણ વરસાદી પાણી ઓસરતું નથી. તે દરમિયાન લોકોને પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવા માટે અવનવા કારસા કરવા પડી રહ્યાં છે. તેથી લોકોએ પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચક્કાજામ કર્યું હતું અને તેમની ઉગ્ર દલીલો રિવાબા સહિતના નેતાઓ સામે રાખી હતી.
આ પણ વાંચો :જૂનાગઢમાં ધોધમાર: ઉબેણ ડેમ ઓવર ફ્લો; સુત્રેજામાં બે લોકોને હેલિકોપ્ટરથી કર્યા એરલિફ્ટ