અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

આજે વરસાદનું જોર ઘટ્યું, રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 35 મેડિકલ ટીમ મોકલાઈ

  • સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
  • રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 109 સૌથી વધુ કચ્છ ઝોનમાં 154 ટકા નોંધાયો

અમદાવાદ, 29 ઓગસ્ટ 2024 ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં કુલ 35 મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ ૭ ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે, રાજકોટ જિલ્લાના રાજકોટ અને જેતપુર તાલુકામાં, જામનગર તાલુકામાં, પોરબંદર તાલુકામાં તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં ૪ ઈંચથી જેટલો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો વરસાદ થયો
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૧૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ, ૩૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૩૮ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૫૪ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૩ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, 2 ટીમ મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. રાજ્યમાં CHC અને PHC ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃગુજરાત: 50થી વધુ તાલુકામાં 3થી 14.80 ઈંચ, તેમજ ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઈંચ વરસાદ

Back to top button