રાજ્યમાં શનિવારે 72 તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું હતુ. ત્યારે અરવલ્લીમાં મોડી રાતે ગાજવીજ સાથે માવઠું થયું હતું. શનિવારે 16 કલાકમાં 72 તાલુકામાં માવઠાનો કહેર વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભુજમાં માત્ર બે કલાકમા બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પાટણના સરસ્વતીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હજી આજે અને આવતી કાલે માવઠાનું વાતાવરણ રહેશે. જેના કારણે રાજ્યનાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઇ છે.
આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. મોડાસા નગરમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં ભારે પવન સાથે માવઠું થતા વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી. પાટણ શહેરમાં પણ ભારે કરા સાથે પવન અને વરસાદ વરસ્યો હતો. પાટણમાં બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જો કે આખરે ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : અંબાજી, ધાનેરા, ડીસાપંથકમાં કમોસમી વરસાદ
રાજ્યભરમાં માવઠાના માર સાથે વધુ એક આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે ત્યારે 22 અને 23 માર્ચે ફરી કમોસમી વરસાદ વરસવાનો છે. શનિવારે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, શનિવારે સવારે 6 કલાકથી રાતનાં 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ ભુજમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણનાં સરસ્વતીમાં 41 એમએમ, અમદાવાદનાં માંડલમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાંબરકાંઠાના હિંમતનગરમાં 1.48 ઇંચ, અરવલ્લીનાં ધનસુરામાં 1.12 ઇંચ , પાટણનાં સિદ્ધપુરમાં અને બનાસકાંઠાના ડીસામાં 21 એમએમ વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગરના થાનમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. મોડી સાંજે ભારે પવન બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. થાન, લીંબડી, વઢવાણ, ચુડા, ચોટીલામાં કરા પડ્યા હતા. કરા પડતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ થઇ રહી છે. ખેડૂતોને ઘઉં, વરિયાળી, એરંડાના પાકમાં નુકસાનની ભીતિ છે.
શું છે આગામી દિવસની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યુ છે. જેના કારણે કોરોના, ઈનફ્લુએન્ઝા, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો લોકોને સુચના આપવામાં આવી છે કે જરુર ન હોય તો એન્ટિબાયોટિક્સ ન લેવી. આ વાયરલ રોગથી બચવા માટે અમદાવાદમાં આવેલ મણીબેન હોસ્પિટલમાં તમામ રોગના ઉપચાર થાય છે. ત્યારે મણીબેન હોસ્પિટલમાં ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.