WC વિજેતા ભારત સહિતની ટીમો ઉપર પૈસાનો વરસાદ, જાણો કોને કેટલું ઈનામ મળ્યું ?
મુંબઈ, 30 જૂન : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થઈ ગયો છે. આ વખતે ટી20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાયો હતો. કેન્સિંગ્ટન ઓવલ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 રનથી યાદગાર વિજય મેળવ્યો હતો. T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ ચોક્કસપણે અમીર બની ગઈ. આ સાથે જ રનર અપ સાઉથ આફ્રિકાની ટીમ પર પણ પૈસાનો વરસાદ થયો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ મેગા ઈવેન્ટ માટે ઈનામી રકમની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. T20 વર્લ્ડ કપ 2024 માટે કુલ $11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ ($2.45 મિલિયન) મળ્યા હતા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળી છે.
જ્યારે ફાઇનલમાં હારેલી ટીમ, એટલે કે ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને અંદાજે રૂ.10.64 કરોડ ($1.28 મિલિયન) મળ્યા હતા. જ્યારે અન્ય બે ટીમો જે સેમિફાઈનલમાં પહોંચી હતી, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને આશરે રૂ. 6.54 કરોડ ($787,500) જેટલી જ રકમ આપવામાં આવી હતી. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી હતી. ICC દ્વારા દરેક ટીમને અમુક રકમ આપવામાં આવી હતી. જે ટીમો સુપર-8 (બીજા રાઉન્ડ)માંથી આગળ ન વધી શકી તેમને દરેકને $382,500 (અંદાજે રૂ. 3.17 કરોડ) મળ્યા.
નવમાથી 12મા ક્રમે રહેલી ટીમોને દરેકને $247,500 (અંદાજે રૂ. 2.05 કરોડ) મળ્યા હતા. જ્યારે 13માથી 20મા ક્રમે રહેલી દરેક ટીમને $225,000 (અંદાજે રૂ. 1.87 કરોડ) મળ્યા હતા. આ ઉપરાંત, મેચ જીતવા પર (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય), ટીમોને વધારાના $31,154 (અંદાજે રૂ. 25.89 લાખ) મળ્યા.
T-20 વર્લ્ડ કપ 2204 ની ઈનામી રકમ
- વિજેતા (ભારત): આશરે રૂ. 20.36 કરોડ
- રનર-અપ (દક્ષિણ આફ્રિકા): રૂ. 10.64 કરોડ
- સેમીફાઈનલ: રૂ. 6.54 કરોડ
- બીજા રાઉન્ડમાંથી બહાર થવા પર: રૂ. 3.17 કરોડ
- 9માથી 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
- 13માથી 20મા ક્રમે રહેલી ટીમઃ રૂ. 1.87 કરોડ
- પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીત: રૂ. 25.89 લાખ
ઉલ્લેખનીય છે કે આ વખતે T20 વર્લ્ડ કપની મેચો 9 મેદાન પર યોજાઈ હતી. જેમાંથી 6 વેસ્ટ ઈન્ડિઝમાં અને 3 અમેરિકામાં હતા. વેસ્ટ ઈન્ડિઝમાં, એન્ટિગુઆ, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ તેમજ ત્રિનિદાદમાં મેચો યોજાઈ હતી. જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યુયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાઈ હતી.
આ વખતે ટુર્નામેન્ટમાં 20 ટીમોએ ભાગ લીધો હતો, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમ આગળ વધી. ભારત, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને ઓસ્ટ્રેલિયાએ સુપર-8માં સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ સુપર-8માંથી ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચ રમાઈ હતી. આ સમયગાળા દરમિયાન, ગ્રુપ તબક્કામાં 40 મેચો અને સુપર-8 રાઉન્ડમાં 12 મેચો રમાઈ હતી. ત્યાર બાદ બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ હતી.