રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
અનેક જગ્યાએ પાણી ભરાયા
વલસાડમાં આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
પ્રી-મોન્સૂન કામગીરી પર ઊઠ્યા સવાલો
વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયાં હતાં તેમજ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હતી. વીજળીના કડાકાભડાકા સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. શહેરના એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા, તો એમ.જી રોડ ઉપર આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા છતાં પણ કોઈ પણ નિકાલ ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ મળ્યો હતો.
સુરત શહેર અને ગ્રામ્યમાં મેઘમહેર
સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. વરાછા એ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડીરાત્રે ભારે વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રો અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદને લઈને ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.