ગુજરાતમાં 36 કલાકમાં વલસાડ અને નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ
- રસ્તાઓ પાણીમાં ડૂબી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત
- વલસાડમાં રસ્તાઓ પર દોઢથી ચાર ફૂટ પાણી ભરાયા
- પારડીમાં 8.60, ઉમરગામમાં 8.08 ઈંચ વરસાદ આવ્યો
ગુજરાતમાં 36 કલાકમાં વલસાડ અને નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ હતી. જેમાં વલસાડમાં 12.20, ગણદેવીમાં 11.52, ખેરગામમાં 10.20 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. તેમજ ચીખલીમાં 8.68, પારડીમાં 8.60, ઉમરગામમાં 8.08 ઈંચ વરસાદ આવ્યો છે.
વલસાડમાં રસ્તાઓ પર દોઢથી ચાર ફૂટ પાણી ભરાયા
વલસાડમાં રસ્તાઓ પર દોઢથી ચાર ફૂટ પાણી ભરાયા છે તથા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વિતેલા 36 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયાં હતા. વલસાડ શહેરમાં સૌથી વધુ 12.20 ઈંચ વરસાદ ખાબકતાં જાહેર માર્ગો ઉપર દોઢથી ચાર ફૂટ સુધીના પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા. કાર સહિતના વાહનો તણાવાની ઘટનાઓ પણ ઘટી હતી. આ સિવાય નિચાણા વાળા વિસ્તારની સોસાયટીઓમાં મકાનોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. આ સિવાય નવસારીનાા ગણદેવી તાલુકામાં 11.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રસ્તાઓ પાણીમાં ડૂબી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત
આ ઉપરાંત ખેરગામ તાલુકામાં 10.20 ઈંચ, ચીખલીમાં 8.68, પારડીમાં 8.60, ઉમરગામમાં 8.08, વાપીમાં 7.68, નવસારીમાં 7.04, ધરમપુરમાં 6.24 અને જલાલપોર તાલુકામાં 5.76 ઈંચ વરસાદ છેલ્લા 36 કલાકમાં નોંધાયો છે. ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે રીતસર છેતરપિંડી કરી હોવાથી લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનો બળાપો નગરજનો વ્યક્ત કરતા નજરે પડયા હતા. વલસાડ ઉપરાંત પારડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા પુલ, કોઝવે ઓવરફ્લો થવા માંડયા હતાં.