ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘો મહેરબાન, સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં 5 ઈંચ વરસાદ

  • સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • જલાલપોર 4.24 ઈંચ અને ગણદેવીમાં 2.16 ઈંચ વરસાદ ખાબક્યો
  • દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઇ

ગુજરાતમાં મેઘો મહેરબાન છે. જેમાં સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં 5 ઈંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત પર બે, ઉત્તર ગુજરાતની એક મળી ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. તેમજ સુરત, નવસારી અને વલસાડમાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવાર બાદ સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં સૂરજદાદાના દર્શન થયા ન હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બાળકોને બોલવા, સાંભળવાની સમસ્યાના કેસમાં થયો વધારો, આંકડો જાણી રહેશો દંગ 

દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઇ

દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ બીજી સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ પણ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી, ત્રીજી અને પાંચમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બે અને એક ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ચાર દિવસ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ હવામાન વિભાગે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યુ છે. સોમવારે પણ દિવસભર ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર ઝાડ તૂટી પડવાના બનાવો નોંધાયા હતા. ઝાડ તૂટી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

જલાલપોર 4.24 ઈંચ અને ગણદેવીમાં 2.16 ઈંચ વરસાદ ખાબક્યો

સુરતની વાત કરીએ તો મેઘરાજા ઓલપાડ, બારડોલી, પલસાણા અને મહુવા તાલુકામાં મન મૂકીને વરસી રહ્યા છે. વિતેલા બે દિવસ આ વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સોમવારે પલસાણા 5.0 ઈંચ, બારડોલી 4.72 ઈંચ, મહુવા 4.92 ઈંચ, ઓલપાડ 3.28 ઈંચ અને કામરેજમાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો હતો. સુરત શહેરમાં અવિરત વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. નવસારીમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સોમવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 5.20 ઈંચ, જલાલપોર 4.24 ઈંચ અને ગણદેવીમાં 2.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Back to top button