નેશનલ

દિલ્હી-NCRમાં ભારે વરસાદ: 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો પવન

Text To Speech

દિલ્હી-NCRમાં બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. જોરદાર વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. સાથે જ પાટનગરમાં દિવસ દરમિયાન પણ અંધકાર છવાયો હતો. જો કે વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળી હતી. જોરદાર તોફાન અને વરસાદના કારણે ફ્લાઈટને પણ અસર થઈ છે. તો, દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કેટલીક જગ્યાએ કરા પડવાના પણ સમાચાર છે. તો, સફદરજંગમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ઈન્ડિગો એરલાઈન્સે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતા કહ્યું હતું કે “દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. કોઈપણ મુશ્કેલી ટાળવા માટે કૃપા કરીને પ્રવાસનો પૂરતો સમય લો.”

અગાઉ, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. વરસાદ બાદ દિલ્હીના ભાઈ વીર સિંહ માર્ગ પર અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા.

કરા સાથેના અચાનક વરસાદ બાદ, દિલ્હીમાં અન્ય ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. કનોટ પ્લેસમાં એક કાર ઉખડી ગયેલા ઝાડ નીચે પણ ફસાઈ ગઈ હતી. સદનસીબે કારની અંદર કોઈ નહોતું અને કાર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી.

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટ કર્યું છે કે રેલવે અંડરપાસ બ્રિજ પ્રહલાદપુર પર પાણી ભરાવાને કારણે એમબી રોડ પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. મહેરબાની કરીને એ રીતે જવાનું ટાળો.

ભારે વરસાદ અને તોફાન પછી, દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ઘણા વાસણો તૂટી ગયા હતા, અને ઝંડાઓ પણ ઉખડી ગયા હતા. ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર પણ પડી છે. દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આઠ ફ્લાઈટોને જયપુર, લખનૌ, ચંદીગઢ, અમદાવાદ, દેહરાદૂન ડાયવર્ટ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે શહેરમાં આંશિક વાદળછાયું રહેશે અને વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Back to top button