છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ
- મહેસાણા અને બહુચરાજીમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ
- દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી
અમદાવાદ, 03 જુલાઈ : રાજ્યમાં હવે ચોમાસુ બરાબરનું જામ્યું છે. દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ક્યાં શહેર/તાલુકામાં કેટલા ઇંચ વરસાદ પડ્યો?
મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહેસાણા તાલુકામાં ચાર ઈંચ, બહુચરાજીમાં પણ ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતિવાડામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના વાવમાં સવા ત્રણ ઈંચ, સુઈગામમાં પણ સવા ત્રણ ઈંચ, અરવલ્લીના મોડાસામાં પોણા ત્રણ ઈંચ, ડાંગના વઘઈમાં પણ પોણા ત્રણ ઈંચ, નવસારીના વાંસદામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 80 હજારને પાર
આ ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં અને મહીસાગરના બાલાસિનોરમાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના થરાદમાં, તાપીના ડોલવણમાં અને દાહોદના ફતેપુરામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં બે ઈંચ, સુરતના ઓલપાડમાં પોણા બે ઈંચ, ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પણ પોણા બે ઈંચ, નવસારી, ખેરગામ, જલાલપોરમાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તલોદ, ઝાલોદ, વાલોડ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ શહેર, કઠલાલ, પલસાણા, સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જયારે આવતીકાલે 4 જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જે બાદ 5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં બીયુ તેમજ ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની ઔડાએ ચીમકી ઉચ્ચારી