ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. જ્યારે કેટલાક તાલુકાઓ હજી કોરાધાકોર છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.તો વરસાદી વાતાવરણને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 2 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.
માછીમારો માટે એલર્ટ
ચોમાસાની સક્રિય સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી શક્યતાઓ છે. ભાવનગર-અલંગ, વિક્ટર સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં 40 થી 50 કિ.મી.ની ઝડપે તોફાની હવામાન પ્રવર્તે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને હવામાન વિભાગ-અમદાવાદ દ્વારા 27 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મુળદ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે. પવનની ઝડપ વધીને 60 કિ.મી. સુધી પણ પહોંચ તેમ હોય, આ દિવસો દરમિયાન માછીમારોએ દરિયાકાંઠે અને તેની બહાર સાહન ન કરવા માટે જણાવાયું છે.
ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા રીઝ્યા
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ બાયડ પંથકમાં વરસ્યો હતો. જ્યારે 10 તાલુકામાં 1 મીમીથી લઇ પોણો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભિલોડાને બાદ કરતાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહી હતી. છેલ્લા 48 કલાકથી સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બપોર સુધીમાં તાપમાન પોણા 2 ડિગ્રી સુધી ઉચકાતાં મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. જેને લઇ પ્રતિ કલાકે 15 થી 17 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં હજુ ઝાપટાં જ પડશે
અમદાવાદમાં હજુ આગામી 27 જૂન સુધી અમદાવાદને માત્ર સાધારણ ઝાપટાંથી જ સંતોષ માનવો પડી શકે છે.ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર 0.55 ઈંચ સાથે મોસમનો 1.76 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં 1.14 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 1.28 ટકા વરસાદ નોંધાયો છે.જેની સરખામણીએ ગત વર્ષે 23 જૂન સુધી અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ સાથે મોસમનો 16 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં 3.54 ઈંચ સાથે મોસમનો 13 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25-26 જૂને ગરમી વધે અને તાપમાન ફરી ૪૨ ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે.