બીજા જ નોરતેથી વરસાદ, દિવાળી ઉપર પણ મેઘરાજા કેડો નહીં મુકે ?
આગામી સોમવાર તા. 26મી સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે. સતત બે વર્ષ સુધી કોરોના મહામારીના કારણે નવરાત્રી ઉત્સવની ઉજવણી થઇ શકી નહોતી. પણ આ વર્ષે રાજ્ય સરકારે પ્રાચીન અને અર્વાચિન રાસ ગરબાની છૂટછાટ આપતાં ગરબા પ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપુર્વક ઉજવણી કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આવા સંજોગોમાં એક તરફ હવામાન ખાતાએે વરસાદની પણ આગાહી કરી છે. તા. 26મીથી નવરાત્રી પર્વ શરૂ થઇ રહ્યું છે. પણ, બીજા જ નોરતેથી વરસાદનું મહત્વનું હસ્ત નક્ષત્ર પણ શરૂ થશે.
હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયોમાં હાથીની સૂંઢમાંથી પળતા પાણીની જેમ પડશે વરસાદ
કાઠિયાવાડી અને ગામઠી ભાષામાં હાથિયા તરીકે ઓળખાતા આ નક્ષત્ર વિશે એવી માન્યતા છે કે એ હાથીની જેમ સૂંઢ ફેરવે છે. અને જ્યાં વરસે ત્યાં પાણીના ઢગલાં કરી દે છે. આ હાથિયો નક્ષત્ર તા. 10મી ઓક્ટોબર સુધી રહેશે. અગાઉ હવામાનખાતાએ નવરાત્રી પર વરસાદ નહીં આવે તેવી સંભાવના દર્શાવી હતી. પણ છેલ્લા બે દિવસથી નવરાત્રી પર્વ પર વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. હિંદુ પંચાગોએ નવરાત્રીમાં વરસાદના યોગ બતાવાયા છે તે મુજબ તા. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી સુર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે. તા. 27મી બપોરે 12-40 મીનીટથી સુર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થશે.
એક માન્યતા આવી પણ છે ….
આ વખતે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે. અને વાહન શિયાળ છે. આ મુજબ, નવરાત્રી પર્વ દરમિયાન પણ છૂટાછવાયા ઝાપટાંથી માંડીને ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. જો કે, આ વખતે વરસાદ દિવાળી બાદ પણ ચાલું રહેશે. દિવાળી અને બેસતું વર્ષ ઓક્ટોબરના અંતમાં છે. પણ વરસાદના યોગ દિવાળી પછી પણ તા. 6 નવેમ્બર સુધી છે. આ વર્ષે વિક્રમ સંવંતના નવા વર્ષને વધાવીને જ મેઘરાજા વિદાય લેશે.