- કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી
- 23 અને 24મી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા
- 26 એપ્રિલે હળવા વરસાદની સાથે તેજ ફૂંકાવાની શક્યતા
રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામા આવી છે. ગઈ કાલે બપોર બાદ કચ્છ- સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને ફરી એક વાર આગાહી કરી છે.
આ તારીખે વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસદની સાથે આકરી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 23 અને 24મી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા રહેલી છે. અને તેના એક દિવસ બાદ એટલે કે 26 એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને નવસારીના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. 26 એપ્રિલે હળવા વરસાદની સાથે તેજ ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે ગરમી વધવાને લઈને પણ આગાહી કરી છે,. હાલ રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ગઈ કાલે કચ્છમાં વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે બપોર બાદ કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો. મુન્દ્રાના વવારા ગામે તો કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી કર્ણાટકમાં બસવ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે અને રોડ શો પણ કરશે