અમદાવાદ, 13 મે 2024, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગામી પ્રમાણે આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરાં સાથે ભારે વરસાદ પડ્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ગુજરાતમાં સવારે 6 થી સાંજના 6 સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
વરસાદ થતાં કેરી અને પપૈયાના પાકને વ્યાપક નુકસાન
બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.સમઢીયાળા ગામે ભારે પવન સાથે વરસાદ થતાં કેરી અને પપૈયાના પાકને વ્યાપક નુકસાન થયુ છે. વરસાદ અને પવનને કારણે આંબાની કલમો તૂટી ગઇ છે. અસંખ્ય કેરીઓ ખરી પડતા મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી થયો છે. પોલીસ ભવન પાસે પતરા ઊડીને રોડ પર આવ્યા હતા. દાહોદના વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન ફૂંકાતા પાટીયા ઝોલામાં હાઇવે પર વૃક્ષ ધરાશાયી થયું હતું. ગરબાડા પોલીસે વૃક્ષને હટાવી હાઇવે ક્લિયર કર્યો હતો.અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદના કારણે નવરંગપુરા, શાહપુર, સાબરમતી અને ગોમતીપુરમાં ઝાડ પડવાની ઘટના બની હતી.ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ઝાડને ત્યાંથી દૂર કર્યા હતા.
પવન ફૂંકાતા કથા અને લગ્નનો મંડપ ઉડવાના દ્રશ્યો સામે આવ્યા
મહીસાગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે લુણાવાડા-મોડાસા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ પર થયો ટ્રાફિક જામ થયો હતો. પવન ફૂંકાવાના કારણે રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. પુરજોરથી પવન ફૂંકાતા કથા અને લગ્નનો મંડપ ઉડવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પેથાપર,મીરાખેડી સહિતના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે. પોથાપુરમાં ભારે પવન અને વરસાદના પગલે કથાનો મંડપ ઉડ્યો હતો.ગોંડલમાં દેરડી(કુંભાજી), પાટખિલોરી, રાણસીકી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનને કારણે દુકાનોના બોર્ડ, પતરાઓ ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.દેરડી સુલતાનપુર કુંકાવાવ સહિતના અનેક માર્ગો ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત દેરડી સહિતના અનેક ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. આ વાવાઝોડાને કારણે દેરડી(કુંભાજી) ગામના બજારો પણ બંધ કરી દેવામાં આવી હતી.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી
કમોસમી વરસાદી માહોલ સર્જાતા બાગાયત ખેતી આંબા, ચીકુ, લીંબુ સહિતનાં ફળફળાદિને વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની રહી છે. કમોસમી વરસાદ પડવાથી કેરીના તૈયાર પાકને નુકશાની થવાની શકયતા દેખાઈ રહી છે. ખેડૂતોએ આંબાવાડીમાં તાત્કાલિક અસરથી તૈયાર થયેલી કેરી બેડી નજીકના બજારમાં વેચાણ માટે લઈ જવી, અથવા તો વરસાદથી બચાવવા પૂરતા પ્રયાસો કરવા જોઈએ, જે આંબા વાડીમાં કેરી નાની છે. તેમાં ટેકાઓ મૂકીને કેરીને વાવાઝોડામાં કેરી ખરતા બચવાવવી જોઈએ.કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચોઃભરઉનાળે ચોમાસુઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ