ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ, 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
- 20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે વરસાદની શક્યતા
- આજે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદ પડી શકે છે
- 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે
ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ છે. જેમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે વરસાદની શક્યતા
સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત્ છે. આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 21મી ઓક્ટોબર ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે તારીખ 24મી ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.