હિમાચલમાં વરસાદે સર્જયો વિનાશ, 12 હજાર ઘરોમાં તિરાડો પડતા લોકો ઘર છોડવા મજબુર
- હિમાચલમાં વરસાદે વેર્યો વિનાશ
- પૂર અને ભૂસ્ખલનનો કારણે 12 હજાર ઘરોમાં તિરાડો
- લોકો તેમના ઘર છોડવા મજબુર
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોને બચાવી લેવાયા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણો વિનાશ થયો છે.હિમાચલમાં 12 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. જેથી લોકો પોતાના ઘર છોડવા મજબૂર બનતા જોવા મળ્યા છે.
હિમાચલમાં લોકો ઘર છોડવા મજબૂર
પ્રાપ્ત વિગતો અનુસાર,હિમાચલમાં 12 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. જેના કારણે લોકો હવે તેમના ઘર છોડવા માટે મજબૂર છે. તેમના ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને નીચેથી માટી ધોવાઈ ગઈ છે. ઘર ગમે ત્યારે પડી શકે છે. કેટલાક લોકો રાજ્યમાંથી જ ચાલ્યા ગયા છે. બીજી તરફ હિમાચલના 12માંથી 11 જિલ્લામાં 857 રસ્તાઓ બંધ છે. 4,285 ટ્રાન્સફોર્મર અને 889 પાણી પુરવઠા યોજનાઓ અટવાયેલી છે. વરસાદ, પૂર અને જમીન ધસી જવાને કારણે રૂ. 10,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે.
પંજાબના 7 જિલ્લા પૂરની ઝપેટમાં
આ તરફ હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, યુપી, બિહાર અને મધ્યપ્રદેશ સહિત દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ દિલ્હીમાં શનિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો.પંજાબના 7 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. ફિરોઝપુર જિલ્લામાં ભારત-પાક બોર્ડર પરની ચેકપોસ્ટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. અહીંથી 50 જેટલા ખેડૂતોને બહાર કાઢવામાં આવ્યા છે.ફિરોઝપુરમાં આરજી બ્રિજ ધરાશાયી થવાને કારણે 15 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અને 4 ગામમાંથી 426 લોકોને બચાવી લેવાયા છે. ફિરોઝપુરના 50 ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. જેથી મોટાપાયે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદે જનજીવનને કરી નાંખ્યું વેરવિખેર; 71 લોકોના મોત- ₹8000 કરોડનું નુકશાન