હીટવેવની આગાહી વચ્ચે માવઠુંઃ અમરેલી, કચ્છ અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ
અમદાવાદ, 16 મે 2024, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદ થવાની શક્યતાઓ છે.જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે. આ આગાહી વચ્ચે અમરેલી, કચ્છ અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના કારણે વરિયાળી, અજમો અને રજકો સહિતના પાકોમાં વ્યાપક નુકશાની પહોંચી હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું.
રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસાદ વરસી રહ્યો છે
ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસાદ વરસી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભા શહેર અને આસપાસના ગામડાઓમાં બપોરના સમયે મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.કચ્છમાં આજે દિવસભરની સખત ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉ નગરમાં તેજ પવન અને ભયાનક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસતા માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા.
ઉનાળું વાવેતર કરનાર ધરતીપુત્રો ચિંતિત બન્યા
જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધ્રોલ પંથકના લતિપર, ફલ્લા, જાયવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો લાલપુરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના કારણે ઉનાળું વાવેતર કરનાર ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.સિદ્ધપુર શહેરમાં ભારે પવન બાદ ધીમી ધારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. આજુબાજુના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. સિદ્ધપુર શહેરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃગુજરાતમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી, જાણો કયા વિસ્તારમાં વધશે ગરમી