અમદાવાદગુજરાત

અમદાવાદમાં SG હાઇવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો

અમદાવાદ, 28 જૂન 2024, હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખરે અમદાવાદમાં એસ.જી હાઈવે, ગોતા, બોપલમાં વરસાદ શરૂ થયો છે. એસ.જી હાઈવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં ખુશી છવાઈ છે. આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.આજે અને આવતીકાલે અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાં વરસાદી વાદળ સાથે ક્યાંક છુટા છવાયા વરસાદી ઝાપટા વર્ષે શકે છે. 30 જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે.

NDRFની એક ટીમ અમરેલીમાં સ્ટેન્ડ બાય રખાઈ
આણંદમાં બે દિવસના વિરામ બાદ હાલ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેથી પ્રજાને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી છે.નવસારી જિલ્લામાં વહેલી સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.બોટાદમાં સવારથી સાંબેલાની ધારે ધોધમાર વરસાદ પડતાં શહેરનાં ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગર-2 વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવી સ્થિતિ સર્જાઈ છે.અમરેલીમાં NDRF ટીમ પહોંચી. ચોમાસા પૂર સહિત આફતની પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સાથે જ વડોદરાથી NDRFની એક ટીમ અમરેલીમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનોથી NDRFની સ્ટેન્ડ બાય રહેશે.

પાંચ દિવસ દરમિયાન ફિશરમેન વોર્નિંગ જાહેર
દરિયાકાંઠાના વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં મેઘો મહેરબાન થયો છે પરંતુ હજુ પણ મધ્ય ગુજરાતવાસીઓ સારા વરસાદથી વંચિત છે. ત્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાતવાસીઓ તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે બે દિવસ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં વાદળા બંધાય છે પરંતુ વરસાદ વરસતો નથી તેવામાં આજે પણ હવામાન વિભાગે અમદાવાદના ભાગોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃગુજરાતમાં આજથી 7 દિવસ આ શહેરોમાં વરસાદની આગાહી

Back to top button