રેલવે ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં વધારાની ટ્રેનો દોડાવશે
- ભારતીય રેલવે દ્વારા 2023માં 6369 ટ્રિપ્સ ઓફર કરવામાં આવી હતી, જેની સરખામણીમાં આ વર્ષે 2742 યાત્રાઓની વૃદ્ધિ કરીને 9111 ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે
નવી દિલ્હી, 19 એપ્રિલ: મુસાફરોની સુવિધાને સુનિશ્ચિત કરવા અને ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાને પહોંચી વળવા માટે ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સ કરી રહી છે. મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ 2023ના ઉનાળાની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જ્યાં કુલ 6369 ટ્રિપ્સ ઓફર કરવામાં આવી હતી. ત્યારે આ વખતે 2742 યાત્રાઓની વૃદ્ધિ થઈ છે.
મુખ્ય રેલવે માર્ગો પર એકીકૃત મુસાફરી સુનિશ્ચિત કરીને, દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વધારાની ટ્રેનોનું સાવચેતીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરમાં ફેલાયેલા તમામ ઝોનલ રેલવે દ્વારા ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ઉનાળામાં મુસાફરીના ધસારાને પહોંચી વળવા માટે રેલવે આ વધારાની ટ્રિપ્સ કરવા માટે સજ્જ બની છે.
-
રેલવે – ઝોનલ રેલવે દ્વારા સૂચિત યાત્રાઓ
- મધ્ય રેલવે – 488
- પૂર્વીય રેલવે- 254
- પૂર્વ મધ્ય રેલવે – 1003
- પૂર્વ કોસ્ટ રેલવે – 102
- ઉત્તર મધ્ય રેલવે – 142
- ઉત્તર પૂર્વીય રેલવે – 244
- ઉત્તરપૂર્વીય ફ્રન્ટિયર રેલવે – 88
- ઉત્તર રેલવે – 778
- ઉત્તર પશ્ચિમ રેલવે – 1623
- દક્ષિણ મધ્ય રેલવે – 1012
- દક્ષિણ પર્વ રેલવે – 276
- દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે – 12
- દક્ષિણ પશ્ચિમ રેલવે – 810
- દક્ષિણ રેલવે – 239
- પશ્ચિમ મધ્ય રેલવે – 162
- પશ્ચિમ રેલવે – 1878
- કુલ – 9111
ટ્રેનોનું આયોજન અને સંચાલન એ એક સતત પ્રક્રિયા
વધારાની ટ્રેનોનું આયોજન અને સંચાલન એ એક સતત પ્રક્રિયા છે જેના માટે PRS સિસ્ટમમાં વેઇટલિસ્ટ પેસેન્જરોની વિગતો સિવાય મીડિયા રિપોર્ટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, રેલવે ઇન્ટિગ્રેટેડ હેલ્પલાઇન નંબર 139 જેવી તમામ કોમ્યુનિકેશન ચેનલો પરથી 24×7ના ઇનપુટ્સ લેવામાં આવે છે. ચોક્કસ રૂટ પર ટ્રેનની જરૂરિયાતના આધારે, ટ્રેનોની સંખ્યા અને ટ્રિપ્સની સંખ્યા વધારવામાં આવે છે. સમગ્ર સિઝન દરમિયાન ન તો ટ્રેનોની સંખ્યા અને ન તો વધારાની ટ્રેનો દ્વારા ચલાવવામાં આવતી યાત્રાઓની સંખ્યા સ્થિર રહે છે.
ઉનાળામાં રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની સુવિધા
ઉનાળાની ઋતુ દરમિયાન, ઝોનલ રેલવેને રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. તમામ મોટા અને મહત્ત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થિત રીતે ભીડને નિયંત્રિત કરવા માટે તમામ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓ આ સ્ટેશનો પર કાર્યરત છે.
સામાન્ય વર્ગના કોચમાં પ્રવેશ માટે કતાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા RPFના જવાનોને પ્રારંભિક સ્ટેશનો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ભીડવાળા વિસ્તારો પર નજીકથી નજર રાખવા માટે અને મુસાફરોને વાસ્તવિક સમયની મદદ મળે તે હેતુસર CCTV કંટ્રોલ રૂમમાં કુશળ RPF સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારે ભીડ દરમિયાન નાસભાગ જેવી પરિસ્થિતિને ટાળવા માટે, ભીડને સરળતાથી નિયંત્રિત કરવા માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓને ફૂટ-ઓવર બ્રિજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય રેલવે તમામ મુસાફરોને અનુકૂળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેલી છે. મુસાફરો આ વધારાની ટ્રેનોમાં તેમની ટિકિટ રેલવે ટિકિટ કાઉન્ટર અથવા IRCTC વેબસાઇટ/એપ દ્વારા બુક કરાવી શકે છે.
આ પણ જુઓ: વંદે ભારત ટ્રેનથી કેટલી આવક થાય છે ? તેનો કોઈ રેકોર્ડ જ રેલ વિભાગ પાસે નથી !