આંધ્રમાં 14નાં જીવ લેનારા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ઘટસ્ફોટ, ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો


નવી દિલ્હી, 03 માર્ચ: 29 ઑક્ટોબર, 2023ના રોજ બે ટ્રેનો વચ્ચે અથડામણને કારણે સર્જાયેલી દુર્ઘટનાનું કારણ જણાવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર તેમના ફોન પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં લાપરવાહીના કારણે બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માતે 14 મુસાફરોના જીવ લીધાં હતાં.
29 ઑક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે, રાયગડા પેસેન્જર ટ્રેને આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કંટકપલ્લી ખાતે હાવડા-ચેન્નઈ લાઇન પર વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આંધ્ર ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા ભારતીય રેલવે જે નવા સુરક્ષા પગલાઓ પર કામ કરી રહી છે તેની વાત કરી હતી.
રેલવે મંત્રીએ કહ્યું, આંધ્રપ્રદેશમાં તાજેતરની ઘટના એટલા માટે બની કારણ કે લોકો પાઇલટ અને કો-પાઈલટ બંને ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા અને તેમનું ધ્યાન ભટકી ગયું. હવે અમે એવી સિસ્ટમ લગાવી રહ્યા છીએ જે આવા કોઈપણ વિક્ષેપને અટકાવી શકે. અને આ સિસ્ટમા શોધી કાઢે કે, પાઈલટ અને કો-પાઈલટ બંને ટ્રેન ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
તપાસ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી
કમિશનર્સ ઑફ રેલવે સેફ્ટી (CRS)નો તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, ઘટનાના એક દિવસ પછી, પ્રાથમિક રેલવે તપાસમાં કહેવામાં આવ્યું હતું કે રાયગડા પેસેન્જર ટ્રેનના લોકો પાઇલટ અને સહાયક લોકો પાઇલટ ટ્રેન અકસ્માત માટે જવાબદાર હતા કારણ કે તેઓએ નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ દુર્ઘટનામાં બંને ક્રૂ મેમ્બર્સના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો: છત્તીસગઢમાં ટ્રેન અકસ્માત, એક્સપ્રેસ રેલવે સ્ટેશનનું સ્ટોપર તોડી પ્લેટફોર્મમાં ઘુસી