કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સાવલી ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો : હડમતાળાની ફાર્મા કંપનીમાં એટીએસની તપાસ

Text To Speech

વડોદરાના સાવલીમાં આવેલી કંપનીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના ડ્રગ્સ રેકેટની તપાસનો રેલો રાજકોટ સુધી આવ્યો છે. રાજકોટના ગોંડલ હાઇ-વે ઉપર હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પાર્મેક્સ ફાર્મા નામની કંપનીમાં ગઇકાલે ગુરૂવારે સાંજે એટીએસની ટીમ દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ એલસીબી અને એસઓજીને સાથે રાખી એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હોય અને મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હોય જેના પગલે ખળભળાટ મચી જવા પામી હતી.

સ્થાનિક પોલીસને સાથે રાખી એટીએસએ કરી તપાસ

એટીએસની ટીમે શંકા વ્યકત કરી હતી કે, પાર્મેક્સ ફાર્મા નામની કંપનીમાંથી સાવલીમાં જે ડ્રગ્સ ઝડપાયો તેનું રો-મટિરિયલ સપ્લાય કરવામાં આવ્યું હતુ. જો કે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ સર્ચ ઓપરેશન દરમિયાન એટીએસની ટીમને કંઇ શંકાસ્પદ મળી આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસની ટીમે આ સર્ચની કાર્યવાહી દરમિયાન કંપનીના સંચાલક તેમજ આ કંપનીમાં કામ કરતા કર્મચારી સહિતનાઓના નિવેદન લીધા હતા. તપાસ અને સર્ચ દરમિયાન એકપણ વ્યક્તિને કંપનીની અંદર આવવાની કે કંપનીની અંદર જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી હતી અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

18 તારીખે રાજકોટ રૂરલ એસોજીએ તપાસ કરી હતી

આ પહેલા 18 ઓગસ્ટના રોજ ATS દ્વારા રાજકોટ રૂરલ SOGને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી રાજકોટ રૂરલ SOG દ્વારા 18 તારીખના રોજ ફાર્મા કંપનીના સંચાલકો સહિતના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં તેમની રો મટીરીયલ સપ્લાય બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.

Back to top button