ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાહુલ ગાંધીનું મિશન ગુજરાતઃ દાહોદમાં કહ્યું- “આ પબ્લિક મિટિંગ નથી, એક આંદોલન, એક સત્યાગ્રહની શરૂઆત”

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત ભલે ન થઈ હોય. પરંતુ, રાજકીય પાર્ટીઓ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. દાહોદમાં રાહુલ ગાંધીએ ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધતા રાહુલે આગામી ચૂંટણીમાં કૉંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિરોધીઓ પર આકરા વાર કર્યા.

દાહોદમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રદેશ ઈન્ચાર્જ રઘુ શર્માએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. તો હર્ષદ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પાટીદાર અને કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સ્ટેજ પર હાજર જોવા મળ્યા હતા. અહીં આવેલા રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. સભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલન કરવાનો નિર્ધાર કરાયો હતો. સત્યાગ્રહ માટેની કીટ, સત્યાગ્રહ એપને રાહુલે ખુલ્લી મુકી તેમજ સત્યાગ્રહની વેબસાઈટનો પણ તેમના હસ્તે આરંભ કરાવાયો હતો.

પ્રધાનમંત્રીએ પાડ્યા ભાગલાઃ રાહુલ
સભાને સંબોધતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર વાક્બાણ ચલાવ્યા. તેમણે કહ્યું, 2014માં નરેન્દ્ર મોદી ભારતના પીએમ બન્યા. એ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે ગુજરાતમાં જેની શરૂઆત કરી હતી. તે હવે સમગ્ર દેશમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવાય છે. આજે 2 હિન્દુસ્તાન બની રહ્યા છે. તેમાંથી એક ઉદ્યોગપતિ, બ્યુરોકેટ્સ જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. રાહુલે આકરાવાર કરતા કહ્યું, નરેન્દ્ર મોદીએ પહેલા ગુજરાતમાં જે કર્યું તે હવે દેશમાં લાગુ કરી રહ્યા છે. કૉંગ્રેસને 2 હિન્દુસ્તાન નથી જોઈતા, એક હિન્દુસ્તાન જોઈએ છે. તમામ લોકોને સમાન અધિકાર અને શિક્ષા મળવી જોઈએ. ભાજપનું મોડલ 2 હિન્દુસ્તાન અને 2 ગુજરાત છે. જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિઓની નથી. આદિવાસીઓનું, હિન્દુસ્તાનવાસીઓનું છે.

કૉંગ્રેસ બનશે આદિવાસીઓનો અવાજઃ રાહુલ
સરકાર પર વાર કરતા રાહુલે કહ્યું, ગુજરાતમાં આદિવાસીઓ સાથે શું થઈ રહ્યું છે, જળ, જમીન અને જંગલ તમારું છે ગુજરાતની સરકારનું નથી. ગુજરાતના બિઝનેસમેનોનું નથી, અને જે ફાયદો તમને નથી મળતો એ હકીકત છે. આદિવાસી પણ આ વાતને સમજે છે, હોસ્પિટલમાં જાય ત્યારે તેમની પાસે પૈસા માંગવામાં આવે અને દવા ન મળે આદિવાસી હેરાન થાય. શિક્ષણ માટે કોલેજમાં એડમિશન ન મળે, રોજગારની વાત છોડી દેજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પ્રત્યેક ઈંટ ઉપર આદિવાસીઓનો હાથ લાગે છે. આદિવાસીઓએ બધું ઉભું કર્યું પણ તેના બદલામાં આદિવાસીઓને શું મળ્યું. આદિવાસીઓના આ દબાયેલા અવાજને કૉંગ્રેસ ઉંચો કરવા માંગે છે. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને મજબૂત કરવા માંગે છે. ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય. આ આંદોલનનું લક્ષ્ય છે કે આદિવાસીઓને શું જોઈએ અને કૉંગ્રેસ શું ગેરેન્ટી આપશે. કૉંગ્રેસ શત-પ્રતિશત કામ કરવાની ગેરન્ટી આપે છે.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, યુપીએની સરકારમાં જળ, જંગલ, જમીન જનતાને મળે તેવી કોશિશ કરવામાં આવી. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. તો, નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મજાક ઉડાવી. પીએમએ કહ્યું કે, મનરેગા રદ નહીં કરું, દેશને ખબર પડે કે કોંગ્રેસે શું કર્યું છે. પરંતુ તે મનરેગા તેમને કોવિડના સમયમાં કામ લાગી.

કોરોના મુદ્દે રાહુલનો સરકાર પર કટાક્ષ
ભાજપ સરકારની કામગીરી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું, પ્રધાનમંત્રી આવ્યા અને નોટબંધી લાવ્યા. જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બેંકને આપ્યા. ભાજપ સરકારથી જનતાને નહીં માત્ર ઉદ્યોગપતિ અને અરબપતિઓને જ ફાયદો થયો. પછી GST લાગુ કર્યું, જેનાથી સામાન્ય લોકો હેરાન થયા. કોરોનાકાળમાં દર્દીઓને હોસ્પિટલમાં ન તો ઓક્સિજન મળ્યો કે ન તો પલંગ. હોસ્પિટલની બહાર ગુજરાતના હજારો લોકોએ છેલ્લો શ્વાસ લીધો. રાહુલે કહ્યું- પીએમ મોદી કહે છે કે થાળી વગાડો, મોબાઈલની લાઈટ ચાલુ કરો. પરંતુ, ગંગા મા લાશોથી ભરાઈ ગઈ હતી એમ નથી કહેતા અને કહે છે કે થાળી વગાડો અને લાઈટ કરો.

Back to top button