કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત
મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને 136 દિવસ પછી તેનું સંસદ પદ પરત મળી ગયું છે અને આ માટેની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે.રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. હવે તેમનું સભ્યપદ પરત આપવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવીને રદ કરી દીધી છે. આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિતોના પરિવારો સુપ્રિમ કોર્ટના શરણે
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ધટનાના અગાઉ આ કેસના 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન આપી ચુકી છે.જેથી કોર્ટ દ્વારા 2 કલાર્કને આપેલી જામીનને પીડિતોના પરિવારોએ પડકારી છે.મહત્વનું છે કે, મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે બે કલાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી. આ બે કલાર્ક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામા આવી હતી. જેની પર જજ સમીર દવેની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે આરોપીઓની જામીન અરજી મંજુર કરી છે. હાઇકોર્ટમાંથી જામીન મળેલા આરોપીઓ પૈકી 112 પીડીત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા બે કલાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેમનું કહેવું છે કે, આરોપીઓએ આ કૃત્ય ઇરાદાપૂર્વક કર્યું છે. આરોપીઓ બ્રિજની કેપેસિટી જાણતા હતા છતાં વધુ ટિકિટો વેચી છે. પોલીસ ચાર્જશીટમાં તેમની સંડોવણી સ્પષ્ટ છે છતાં પણ તેમને જામીન મળ્યા છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની બેન્ચ સમક્ષ તેની સુનાવણી હાથ ધરાશે.
સુરત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
સુરત શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. સુરત શહેરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદી રોગચાળાને કારણે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. રોગચાળાને ડામવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.
દિલ્હી સર્વિસ બિલ આજે રાજ્યસભામાં કરાશે રજૂ
લોકસભામાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજ્યસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ થયાના સમાચાર છે. આ પહેલા પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું
ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના એક દિવસ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ રવિવારે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના ઉતરાણનો એક વીડિયો જાહેર કર્યો. રવિવારે મોડી રાત્રે યોજાનાર બીજા મોટા યુદ્ભ્યાસના થોડા કલાકો પહેલા સ્પેસ એજન્સી દ્વારા આ વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો.ઈસરોએ કહ્યું કે, 9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક હશે. ઈસરોએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘ અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના ‘રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી દીધું છે, એટલે કે હવે 170 કિમી x 4,313 કિમી.
ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ
અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.મહત્વનું છે કે,અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે,અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાર હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયર બ્રીગેડના લાશકરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમત આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કાવાયત હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મોડી રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. SG હાઈવે સહિત 250 નાકાબંધી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પોઈન્ટ પર રોજ રાત્રે વાહન ચેકિંગ થાય છે. મહત્વનું છે કે,શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા છે. નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે.