રાવણ ફક્ત બે લોકોની વાત સાંભળતો હતો; એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે : રાહુલ ગાંધી
- રાહુલ ગાંધીના મોદી સરકાર પર તીખા પ્રહાર
- હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો : રાહુલ ગાંધી
- મણિપુરને બે ભાગમાં વહેચી નાખ્યું છે : રાહુલ ગાંધી
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. જેમાં અમિત શાહ સહિત રાહુલ ગાંધી પણ સામેલ થયા છે. સાંસદ પદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યા છે. જો કે, પહેલીવારમાં જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા – રાહુલ
લોકસભામાં પહેલા દિવસે જ રાહુલ ગાંધીએ મણિપુરને લઈને વાત કરી છે. મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે મારો એકને એક જ દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ.
વધુમાં તેમણે કહ્યું કે, અન્ય એક મહિલાને મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ મહિલા થરથર ધ્રુજવા લાગી અને પછી મારી સામે જ બેહોશ થઈ ગઈ. હજુ તો મેં આ બે ઉદાહરણ આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે, માત્ર મણિપુર નહીં હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરને નહીં હિન્દુસ્તાનને મણિપુરમાં માર્યું છે. હિન્દુસ્તાનનું મર્ડર કર્યું છે. આટલું બોલતા જ ભાજપના સાંસદો લાલઘુમ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા હતા.
મોદીજી રાવણની જેમ બે જ લોકોનું સાંભળે છે
મોદી સરકાર સામે નિશાન તાક્તા કહ્યું કે, તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે. તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો. ભારતીય સૈન્ય એક જ દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે પરંતુ તમે તેનો ઉપયોગ કરતાં નથી. હું મોદીજીને એટલું કહીશ કે તેઓ હિન્દુસ્તાનની અવાજ નથી સાંભળતા તો કોનો અવાજ સાંભળે છે. તેમણે રાવણનું ઉદાહરણ આપતાં કહ્યું કે, રાવણ ફક્ત બે લોકોની સાંભળતો હતો. એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે. એક અદાણી અને બીજા અમિત શાહ.
ભારત જોડો યાત્રાનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ લોકસભામાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર ફરી હોબાળો થયો હતો. તેમને બેસી જવા માટે કહી દેવાયું હતું. તેમણે કહ્યું કે હું સમુદ્ર કિનારેથી કાશ્મીરના બરફના પર્વતો સુધી ચાલીને ગયો. મારી યાત્રા હજુ પૂરી થઇ નથી. ભલે હું લદાખ ગયો નથી. હું જરૂર આવીશ. ઘણા લોકોએ મને પૂછ્યું કે યાત્રા દરમિયાન કે યાત્રા બાદ પણ કે રાહુલ તમે કેમ ચાલી રહ્યા છો? તમારું લક્ષ્ય શું છે? ત્યારે મને શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે વાત સમજાવા લાગી. જે વસ્તુથી મને પ્રેમ હતો, હું જે વસ્તુ માટે હું મરવા તૈયાર છું. જે વસ્તુ માટે હું મોદીજીની જેલમાં જવા તૈયાર છું. જેના માટે મેં ગાળો ખાધી. તેને હું સમજવા માગતો હતો.
આ પણ વાંચો : સાંસદોને આવાસ કેવી રીતે મળે છે? રાહુલ ગાંધી જે ઘરમાં પરત ફરી રહ્યા છે ત્યાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે?