રાહુલ ગાંધીની સજા યથાવત્ રહેશે કે માફ ? આજે સુરત કોર્ટમાં થશે સુનાવણી


સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસનો ચુકાદો આજે આવે તેવી શક્યતા છે. મોદી સરનેમ મામલે નીચલી અદાલતે રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી જે બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું. આજના ચુકાદામાં દોષિત ઠરાવવામાં અને સજા પર સ્ટે રહેશે તો રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી સાંસદ બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યાના બાદ તેમને લોકસભામાંથી અયોગ્ય જાહેર કર્યા હતા, અને તેમને બે વર્ષની જેલની સજા પણ ફટકારી હતી.
આ પણ વાંચો : Gujarat : ગુજરાત વિધાનસભાની સમિતિઓની જાહેરાત, જાણો કોણે મળ્યું સ્થાન ?
3 એપ્રિલે રાહુલે નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલોએ પણ બે અરજીઓ દાખલ કરી હતી, એક સજા પર રોક લગાવવા માટે અને બીજી અપીલના નિકાલ પેન્ડિંગમાં દોષિત ઠેરવવાના સ્ટે માટે. રાહુલને જામીન આપતા કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે રાહુલ ગાંધીની અરજી પરનો નિર્ણય 20 એપ્રિલ સુધી અનામત રાખ્યો હતો. ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવતા ટ્રાયલ કોર્ટના આદેશ સામે રાહુલની અપીલ બાકી હોવાથી ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.