રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ઝાલોદ પહોંચી, ઈસુદાન ગઢવી પણ જોડાયા
ઝાલોદ, 7 માર્ચ 2024, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે સાંજ સુધીમાં ગુજરાત આવી પહોંચશે. રાજસ્થાનથી યાત્રાનો દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ થશે. યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઝાલોદ ખાતે આવી પહોંચ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા આજથી ચાર દિવસ સુધી દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં ફરશે. યાત્રાને લઈને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ રાહુલ ગાંધીને આવકારવા માટે AAP અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યાં છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ ઝાલોદ પહોંચ્યા છે.
યાત્રાનો આજનો કાર્યક્રમ
રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.
ગુજરાત આપના નેતાઓ પણ યાત્રામાં જોડાયા
ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. જ્યારે બાકીની 24 બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી છે. આજે જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા છે.
કોંગ્રેસના નેતાઓએ યાત્રાના રૂટનું ચેકિંગ કર્યું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા કાર્યક્રમની રૂપરેખા અને રૂટ ચેકિંગ માટે ગુજરાત કોગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, સહપ્રભારી ઉષા નાયડુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સંદીપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીના રૂટનું ચેકિંગ કર્યું હતું.
‘આંગળીના વેઢે ગણાય એટલા જ કોંગ્રેસીઓ જાય છે’
અર્જુન મોઢવાડિયાનું નામ લીધા વગર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા તેમના જ ખોળામાં ભાજપ બેસી ગયો છે. એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા જ કોંગ્રેસીઓ જાય છે. એનાથી અમને કોઈ ફરક નહિ પડે. ભારત તો કોંગ્રેસમુક્ત નહીં થાય, પણ આખું BJP કોંગ્રેસયુક્ત થઈ રહી છે. ભાજપને કામના નામે મત નથી મળવાના, તેમણે તો કારનામાં કર્યાં છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દૂધે ધોયેલા થઈ ગયા.
આ પણ વાંચોઃભાજપ માટે અમારા નેતાઓ કાલ સુધી ખરાબ હતા હવે દુધથી ધોવાઈ ગયા: શક્તિસિંહ ગોહિલ