ટ્રેન્ડિંગનેશનલ

‘મને જાણી જોઈને ચૂપ કરાવવામાં આવે છે…’ રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને લખી ચિઠ્ઠી

નવી દિલ્હીઃ 3 ફેબ્રુઆરી, 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે તેમને ગૃહમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા, જે લોકશાહીની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

શું છે સમગ્ર વિવાદ?

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી 2020ના ભારત-ચીન સરહદ વિવાદ પર ભૂતપૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. સ્પીકરે તેમને આ દસ્તાવેજ પ્રમાણિત (Authenticate) કરવા કહ્યું હતું. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, તેમણે સંસદીય પરંપરા મુજબ દસ્તાવેજની જવાબદારી સ્વીકારી અને તેને પ્રમાણિત પણ કર્યો, તેમ છતાં તેમને બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

સ્પીકરની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે, “એકવાર સભ્ય દસ્તાવેજ પ્રમાણિત કરી દે પછી સરકારની જવાબદારી તેનો જવાબ આપવાની હોય છે, સ્પીકરની ભૂમિકા ત્યાં પૂરી થઈ જાય છે.” તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષના નેતા તરીકે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પીકરને તેમના બંધારણીય દાયિત્વની યાદ અપાવતા કહ્યું કે સ્પીકરે ગૃહના નિષ્પક્ષ રક્ષક તરીકે વિપક્ષના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.

સંસદીય ઈતિહાસની ‘અભૂતપૂર્વ’ ઘટના

રાહુલ ગાંધીએ આ ઘટનાને સંસદીય ઈતિહાસમાં અભૂતપૂર્વ ગણાવી હતી. તેમણે કહ્યું કે પહેલીવાર સરકારના કહેવા પર સ્પીકરે વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા રોકવા પડ્યા છે. આ દરમિયાન વિપક્ષના અન્ય સાંસદોએ પણ રાહુલ ગાંધીના સમર્થનમાં બોલવાનો ઇનકાર કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.

 

Back to top button