અમદાવાદ, 08 ઓગસ્ટ 2024, આવતીકાલથી કોંગ્રેસ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. જે 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. બીજી તરફ રાજ્ય સરકારની તિરંગાયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રાજકોટથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે
આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. તિરંગાયાત્રાની ઉજવણી અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે.
કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ થશે
કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે. ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. 100 જેટલા લોકો આ પદયાત્રામાં રોજ 25 કિલોમીટર ચાલીને પદયાત્રા કરશે.
રાહુલ-પ્રિયંકા પણ હાજર રહે એવી શક્યતા
મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાયયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓ પણ સાથે એક દિવસ કોઈ જગ્યાએ જોડાય એવી શક્યતા છે. પદયાત્રાનું ઢોલ-નગારાંથી નહીં પરંતુ સૂતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે.ગુજરાતમાં કોંગ્રેસ સૌપ્રથમ એ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં બેઠકોની દૃષ્ટિએ તેની સ્થિતિ શૂન્ય છે. આ રણનીતિ હેઠળ પાર્ટીએ ગુજરાતના 5 જિલ્લામાંથી ન્યાયયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો