માનહાની કેસમાં સજા સામે અપીલ માટે આજે રાહુલ ગાંધી ફરી સુરત આવશે, ચુસ્ત બંદોબસ્ત
- મોદી સરનેમ ટિપ્પણી માટે થઈ હતી સજા
- 2019 લોકસભા ચૂંટણીનો હતો મામલો
- ગત મહિને અપાઈ હતી 2 વર્ષની સજા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ‘મોદી સરનેમ’ ટીપ્પણીને લગતા માનહાનિના કેસમાં તેમની સજા સામે કોર્ટમાં અપીલ કરવા આજે સુરતની મુલાકાત લેશે. સૂત્રોએ રવિવારે જણાવ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ભાઈ રાહુલ સાથે સુરત આવશે. રાહુલ ગાંધી રવિવારે તેમની માતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ બેઠક દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા પણ હાજર હતા.
માનહાની કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે
ગયા મહિને સુરતની CJM કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે રાહુલને સજાને પડકારવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરવામાં આવી છે. રાહુલ ગાંધી આજે સુરત પહોંચીને કોર્ટમાં અરજી દાખલ કરશે.
2019 લોકસભાની ચૂંટણીમાં આપ્યું હતું નિવેદન
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતા સુરતની એક કોર્ટે ગત દિવસોમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને બે વર્ષની સજા થઈ હતી. નિયમ મુજબ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તેની સભ્યતા જતી રહે છે. રાહુલ સાથે પણ એવું જ થયું. તેના બીજા જ દિવસે લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો હતો.