અમદાવાદ, 13 જુલાઈ 2024, કોંગ્રેસ દ્વારા TRP ગેમઝોનમાં પીડિતોને ન્યાય માટે રાખવામાં આવેલા રાજકોટ બંધ સફળ રહ્યું હતું, ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અને તક્ષશીલા અગ્નિકાંડ સહિતની અન્ય દુર્ઘટનાના પીડિતોને પણ ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રામાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડાશે. અગાઉ રાહુલ ગાંધીએ અમદાવાદમાં દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ ન્યાય યાત્રામાં જોડાશે.
પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટની શરૂઆતથી લઈને 15મી ઓગસ્ટ સુધી સળંગ પંદર દિવસ પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે. જેમાં પીડિત પરિવારો, ન્યાય માટે લડનાર યોદ્ધા એક બાદ એક શહેરથી જોડાશે. ન્યાય યાત્રામાં મોરબી, ટંકારા, રાજકોટ,ચોટીલા, સાયલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને છેલ્લે અમદાવાદ પહોંચશે. 15મી ઓગસ્ટ અમદાવાદ ખાતે ગુજરાતનો મહા ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.
રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યાં
લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આ દેશમાં એવો એક અવાજ છે. મણીપુરથી મુંબઈ સુધીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યાં. મને પોતાને પણ વિશ્વાસ છે કે આમંત્રણ આપવાની જરૂર નહીં પડે, સામેથી એમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું હિસ્સો બનીશ. રાહુલ ગાંધી આવશે એવી મને ખાતરી છે. 1થી 15 ઓગસ્ટની ન્યાય યાત્રામાં દેશભરમાંથી નેતાઓ આવશે. એટલે આપણે ગુજરાતમાં એવો પ્રયાસ કરીશું કે નિરૂકુંશ બનેલી સરકાર એને એમ છે કે અમારી પાસે 56ની છાતીમાં 156નો પાવર છે એમનો. એ 156ના પાવરમાં જનતાના દુઃખદર્દ ભૂલી ગયા છે.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પીડિતોની CM સાથેની મુલાકાત બાદ ઉકેલ નહીં, કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢશે