ટ્રેન્ડિંગનેશનલ

ફોક્સકોન મુદ્દે ક્રેડિટ વોર: રાહુલ ગાંધીએ કર્ણાટક સરકારને વખાણી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ‘મેક ઈન ઈન્ડિયા’ની સફળતા સ્વીકારવા આભાર!

નવી દિલ્હીઃ 25 ડિસેમ્બર, 2025: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં કર્ણાટક સરકારની કામગીરીના મન ભરીને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટક સરકારે આઈફોન બનાવતી કંપની ‘ફોક્સકોન’ (Foxconn) ને માત્ર નવ મહિનામાં આશરે 30,000 નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં મદદ કરી છે, જે ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેક્ટરી વિસ્તાર છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વળતો પ્રહાર કરતા આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને આપ્યો છે.

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં શું કહ્યું?

રાહુલ ગાંધીએ આ અઠવાડિયાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર શેર કરતા લખ્યું કે, “માત્ર 8-9 મહિનામાં 30,000 કર્મચારીઓની ભરતી એ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેક્ટરી ગ્રોથ છે. આ માત્ર આંકડા નથી, પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવનારી રોજગારી છે.”

ખાસ વાત એ છે કે આ યુનિટમાં કામ કરતા કર્મચારીઓમાંથી 80 ટકા મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની યુવતીઓ 19 થી 24 વર્ષની વયની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, “ઘણી મહિલાઓ માટે આ તેમની પ્રથમ નોકરી છે. કર્ણાટક એવું વાતાવરણ પૂરું પાડી રહ્યું છે જ્યાં ઉત્પાદન (Manufacturing) આટલી મોટી સંખ્યામાં અને ઝડપથી વધી શકે છે. આપણે આવું જ ભારત બનાવવું છે જ્યાં ગરિમાપૂર્ણ નોકરીઓ અને સૌને સમાન તકો મળે.”

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો જવાબ

રાહુલ ગાંધીની આ પોસ્ટ પર કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ (ટ્વિટર) પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કટાક્ષભર્યા અને આભાર માનતા અંદાજમાં લખ્યું કે, “રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમની સફળતાનો સ્વીકાર કરવા બદલ તમારો આભાર. જેમ તમે નોંધ્યું છે તેમ, વડાપ્રધાનના વિઝનને અમલમાં મૂકીને આપણે હવે ‘પ્રોડ્યુસર ઇકોનોમી’ (ઉત્પાદક અર્થતંત્ર) બની રહ્યા છીએ.”

ફોક્સકોન અને આઈફોન ઉત્પાદનનું મહત્વ

તાઈવાન સ્થિત ફોક્સકોન કંપની Appleના નવા iPhone 17 સહિતના ઉપકરણો માટે મુખ્ય મેન્યુફેક્ચરર છે. આ કંપની ચીનથી ભારત તરફ એપલના ઉત્પાદનને શિફ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

  • વાર્ષિક ઉત્પાદન:બેંગલુરુ પાસે દેવનહલ્લીમાં સ્થિત આ ફેક્ટરી સંપૂર્ણ રીતે શરૂ થયા બાદ અહીં વાર્ષિક 2 કરોડ (20 મિલિયન) આઈફોન બનશે તેવો અંદાજ છે.
  • વૈશ્વિક હિસ્સો:છેલ્લા એક વર્ષમાં ભારતમાં 22 અબજ ડોલરના આઈફોન એસેમ્બલ થયા છે. હવે એપલના કુલ વૈશ્વિક આઈફોન ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને 20 ટકા જેટલો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ફટાકડા જેવા અવાજ કરનારા પર પોલીસની કાર્યવાહી, 500થી વધુ બુલેટ બાઇક પર બુલડોઝર એક્શન

આ પણ વાંચોઃ લગ્નના દોઢ મહિના પછી જ દુલ્હનના જીવનમાં ઉથલપાથલ, હનીમૂન રહ્યું અધૂરું

Back to top button