ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAA શું છે? આ કાયદો કોની વિરુદ્ધમાં અને કોની તરફેણમાં છે?

  • સીએએ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈનું નાગરિકત્વ આંચકી લેવા માટે નથી

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી, 2024 : દેશમાં છેવટે આજથી અર્થાત 11 માર્ચ 2024ને સોમવારથી CAA કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી સરકાર, ખાસ કરીને કેેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લા થોડા દિવસથી વિવિધ મંચ ઉપર આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા હતા કે 2024ની ચૂંટણી પહેલાં દેશમાં સીએએ કાયદાનો અમલ શરૂ થશે. કેન્દ્ર સરકારે આજે સાંજે આ અંગે જાહેરનામું બહાર પાડીને તેનો અમલ શરૂ કરી દીધો છે.

જોકે, સામાન્ય નાગરિકોમાં સીએેએ કાયદા અંગે હજુ પૂરી સ્પષ્ટતા નથી. તેનાં વિવિધ કારણો છે, પરંતુ સરળ ભાષામાં આ કાયદાને દરેકે સમજવાની જરૂર છે.

CAA શું છે?

CAAનું આખું નામ Citizenship Amendment Act એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ. આ એકે એવો કાયદો છે જેના હેઠળ ડિસેમ્બર 2014 પહેલા ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા છ ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)ને નાગરિકતા આપવામાં આવશે. આનાથી ભારતમાં લાંબા સમયથી આશરો લઈ રહેલા લોકોને મોટી રાહત મળશે.

મુસ્લિમો કેમ કરી રહ્યા છે CAAનો વિરોધ?

CAAનો સૌથી વધુ વિરોધ મુસ્લિમો કરી રહ્યા છે. આ કાયદામાં,આ ત્રણ દેશોમાંથી આવતા મુસ્લિમોને નાગરિકતા આપવાથી બાકાત રાખવામાં આવ્યા છે. ઘણા ટીકાકારો માને છે કે આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને ભારતમાં સમાનતાની બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન કરે છે. તેમને એ પણ ડર છે કે તે કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તરપૂર્વમાં વધુ સ્થળાંતર અને વસ્તી વિષયક ફેરફારો તરફ દોરી શકે છે. જોકે, સરકારે સંસદમાં અને બહાર પણ સ્પષ્ટતા કરેલી જ છે કે, સીએએ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈનું નાગરિકત્વ આંચકી લેવા માટે નથી.

CAA પર સરકાર શું કહે છે?

સરકારનું માનવું છે કે CAA માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના અત્યાચાર ભોગવી આવેલા લઘુમતીઓને જ નાગરિકતા આપે છે, જ્યાં ધાર્મિક અત્યાચારની સંભાવના વધારે છે. આ કાયદાથી ભારતના મુસ્લિમો અથવા કોઈપણ ધર્મ અને સમુદાયના લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નથી. સરકારનું કહેવું છે કે આ દેશોમાં હિંદુઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અને મુસ્લિમો સાથે નહીં, તેથી મુસ્લિમોને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે.

શું CAA બંધારણીય છે?

CAA વર્ષ 2019 માં 11 ડિસેમ્બરે ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું, તેની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધ 105 મતો પડ્યા હતા. રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બરે આ બિલને મંજૂરી આપી હતી.

ઉત્તરપૂર્વમાં CAAનો વિરોધ શા માટે?

પૂર્વોત્તરના કેટલાક સંગઠનો માને છે કે આ કાયદો બિનદસ્તાવેજીકૃત હિંદુ વસાહતીઓને નાગરિકતા આપશે, જે તેમની વસ્તીને બદલી શકે છે અને સંભવિત રીતે તેમના રાજકીય અધિકારો, સંસ્કૃતિ અને જમીનના અધિકારોને અસર કરી શકે છે.

નાગરિકતા માટેની અરજી કેવી રીતે કરવામાં આવશે?

CAA હેઠળ નાગરિકતા મેળવવા માટેની અરજી માત્ર ઓનલાઈન હશે. આ અંગે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકતા મેળવવા માટે, અરજદારોએ તેઓ કયા વર્ષમાં ભારત આવ્યા હતા તે દર્શાવવું પડશે. અરજદાર પાસેથી કોઈપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.

નાગરિકતા સંબંધિત તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે. અરજી કર્યા પછી, ગૃહ મંત્રાલય અરજીની તપાસ કરશે અને અરજદારને નાગરિકતા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશભરમાં CAA લાગુ, મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

Back to top button