રાહુલ ગાંધીએ 2020 થી 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા : CRPFએ ગૃહ મંત્રાલયને આપ્યો જવાબ
કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ‘ભારત જોડો યાત્રા‘ની સુરક્ષામાં ખામીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી માટે યોગ્ય સુરક્ષાની માંગ કરી હતી. ત્યારે આજે CRPFએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને તેનો જવાબ આપ્યો છે. અને કહ્યું કે રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધી 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા છે.
CRPFએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપ્યો જવાબ
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી અને ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો છે. , જેમાં CRPFએ ગૃહમંત્રાલયને જણાવ્યું કે ‘નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર રાહુલ ગાંધી માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પોતે 2020 થી ઘણી વખત સુરક્ષા નિયમો તોડ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન પણ આવું બન્યું છે. રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધી 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા છે. અને આ અંગે તેમને સમયાંતરે જાણ પણ કરવામાં આવી છે. વધુમા સીઆરપીએફએ જણાવ્યુ હતુ કે, યાત્રાને લઈને તમામ સુરક્ષા માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે સુરક્ષિત વ્યક્તિ પોતે નિર્ધારિત સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરે છે ત્યારે સંરક્ષિત વ્યક્તિ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરે છે’.
કોંગ્રેસે ગૃહમંત્રીને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે, બુધવારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે ભારત જોડો યાત્રામાં રાહુલગાંધીની સુરક્ષાની માંગ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં રાહુલની સુરક્ષામાં ઘણી ખામીઓ રહી છે.
આ પણ વાંચો : સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMCના દરોડા, દારૂની ભઠ્ઠીઓ પર બોલાવી તવાઈ