રાજસ્થાનના દૌસાના બાંદીકુઈથી રાહુલ ગાંધીએ યાત્રા શરૂ કરી, અશોક ગેહલોત અને સચિન પાયલટ હાજર
જયપુરઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાનમાં છે, ત્યારે દૌસા જિલ્લામાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે પાર્ટી નેતાઓ સાથે ભારત જોડો યાત્રા શરૂઆત દૌસાના બાંદીકુઈથી કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના ધારાસભ્ય સચિન પાયલટ હાજર રહ્યાં.
આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા સવારે લગભગ 10 વાગ્યે અલવર પહોંચી. બાંદુકઈથી અલવરમાં પ્રવેશ કરવા માટે રાજગઢના સુરેરમાં આ યાત્રાનો એન્ટ્રી પોઈન્ટ છે. બપોરે અઢી વાગ્યે માલખેડામાં રાહુલ ગાંધી એક સભા સંબોધિત કરશે. આ સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત અને સચિન પાયલટ ઉપસ્થિત રહેશે.
LIVE: #BharatJodoYatra resumes from Bandikui, Rajasthan. https://t.co/FW6KOHjwKp
— Congress (@INCIndia) December 19, 2022
નાગરિક સંસ્થાઓના સભ્યોની સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી
રવિવારે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના નાગરિક સંસ્થાઓના સભ્યોની સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શિક્ષણના સાંપ્રદયીકરણ, સ્વાસ્થ્યના અધિકાર અને ખાદ્ય સુરક્ષા જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરી. રવિવારે યાત્રા શરૂ થવા પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સીનિયર નેતા સચિન પાયલટ પણ રાહુલ ગાંધીની સાથે ચાલ્યા.
સચિન પાયલટના સમર્થનમાં યુવાનાઓ લગાવ્યા નારા
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના ગઢ ગણાતા દૌસામાં યુવાનોએ પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લીધો. આ દરમિયાન યુવાનોએ ‘અમારા મુખ્યમંત્રી કેવા હોય, સચિન પાયલટ જેવા હોય’ના સૂત્રોચ્ચાર પણ કર્યા. સચિન પાયલટના સમર્થનમાં લગાડવામાં આવે નારા સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
રાજસ્થાન પછી હરિયાણામાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રા
કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ પોતાના 100 દિવસ પૂરાં કર્યા છે. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. રાજસ્થાન પછી આ યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં યાત્રા જમ્મુ કાશ્મીરમાં ખતમ થશે.