ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીનો શિવભક્ત અવતાર, કપાળ પર ચંદન લગાવી બૈદ્યનાથ મંદિરમાં કર્યો રૂદ્રાભિષેક

Text To Speech

દેવઘર (ઝારખંડ), 03 ફેબ્રુઆરી: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં છે. આ યાત્રાના ભાગરૂપે તેઓ દેવઘરમાં બાબા બૈદ્યનાથ મંદિર પહોંચ્યા હતા. ગુલાબી ધોતી પહેરીને  અને કપાળ પર ચંદન લગાડીને રાહુલે મંદિરમાં ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી અને મંદિરના પૂજારીઓએ વિધિવત રૂદ્રાભિષેક કર્યો હતો. રાહુલ ગાંધીએ પણ યજમાન તરીકે સંપૂર્ણ ભક્તિભાવ સાથે બાબાની પૂજા કરી હતી. કોંગ્રેસના સોશિયલ મીડિયા X હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત,  રાહુલ ગાંધીએ ઝારખંડના વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈધનાથ ધામમાં રુદ્રાભિષેક કર્યો હતો અને દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સાથે કોંગ્રેસે X પર રાહુલનો એક ફોટો ટ્વીટ કર્યો હતો અને તેના પર ‘ॐ નમઃ શિવાય’ લખવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના આગમન પર ચુસ્ત બંદોબસ્ત

રાહુલ ગાંધીએ બાબા બૈદ્યનાથ મંદિરમાં લગભગ 30 મિનિટ સુધી પૂજા કરી હતી. બાબા મંદિરના ઈન્ચાર્જ કમ એસડીએમ દીપાંકર ચૌધરીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના આગમન પર બાબા મંદિર VIP ગેટથી લઈને મંદિરના વહીવટી ભવન સુધી અને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ માટે મોટા વાહનોમાં મોટી માત્રામાં ફૂલો લાવવામાં આવ્યા હતા.

રાહુલની યાત્રામાં ફરી એકવાર મોદી-મોદીના નારા

મંદિરમાં પૂજા કર્યા બાદ રાહુલ ગાંધી ટાવર ચોક દેવઘરથી વીર કુંવર સિંહ ચોક સુધી રોડ શો કરતા પહોંચ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે સમગ્ર ભારતનો એક્સ-રે થવો જોઈએ. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ જેથી જાણી શકાય કે કોની કેટલી ભાગીદારી છે. બાબા બૈદ્યનાથ મંદિરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 1 વાગ્યાથી સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંદિરેથી પરત ફર્યા બાદ સામાન્ય ભક્તોનો પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રાહુલ ગાંધીના મંદિરમાં પ્રવેશતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને 6 વર્ષના બાળકે પૂછ્યું, ‘તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?’

Back to top button